કોલકાતા, તા. ૧૨
એકબાજુ કોંગ્રેસ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ભીંસમાં લેવા માટેની તૈયારીમાં છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસના આવા પ્રયાસોને ફટકો પડ્યો છે. કારણ કે સોનિયા ગાંધી દ્વારા આવતીકાલે યોજવામાં આવનાર સૂચિત ડિનરમાં મોટાભાગના વિરોધ પક્ષો સામેલ થઇ રહ્યા છે પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સામેલ નહી થવાનો સંકેત આપ્યો છે. સોનિયા ગાંધી તરફથી આયોજિત કરવામાં આવેલા આ ડિનરમાં મોટાભાગના વિરોધ પક્ષો સામેલ થનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોને એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સોનિયા ગાંધીના ડિનરમાં તૃણમુલ કોંગ્રેસ તરફથી ડેરેક ઓ બ્રાયન અને સુદીપ બેનર્જી સામેલ થશે પરંતુ પોતે મમતા બેનર્જી સામેલ થશે નહીં. ૧૩મી માર્ચના દિવસે આયોજિત આ ડિનરમાં આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામેલ થનાર છે. એનડીએ સાથે છેડો ફાટી ચુકેલા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને પણ આ બેઠકમાં ઉપસ્થિત થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી આયોજિત આ ડિનર પાર્ટીમાં વિપક્ષના કોણ કોણ નેતા સામેલ થશે તેને લઇને મહત્વપૂર્ણ છે. કારણ કે, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ એનડીએથી અલગ થઇને બિન ભાજપ, બિન કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો સંકેત આપી દીધો છે. એટલું જ નહીં આના નેતૃત્વ માટે પણ તૈયારી બતાવી છે. તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પણ આમા સામેલ થવા માટે આગળ આવી ચુક્યા છે. મમતા બેનર્જી પોતે પોતાના સ્તર પર ભાજપને હરાવવા માટે ત્રીજા મોરચાનું નેતૃત્વ કરવા ઇચ્છુક છે.