(એજન્સી) બેંગ્લુરૂ, તા.૮
દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા કર્ણાટકથી રાજ્યસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની વિનંતીના પગલે તેમણે આ નિર્ણય લીધો હતો એમ દેવગૌડાના પુત્ર કુમારસ્વામીએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોના સસ્પેન્સ બાદ કોંગ્રેસે દેવગૌડાને ટેકો જાહેર કર્યો હતો. કુમારસ્વામીએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ પાર્ટીના ધારાસભ્યો, સોનિયા ગાંધી અને દેશના ઘણા નેતાઓની વિનંતીના કારણે રાજ્યસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તેઓ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે. તમામ લોકોની વિનંતીનો સ્વીકાર કરવા બદલ દેવગૌડાનો આભાર. ૧૯૯૬ બાદ પ્રથમ વખત દેવગૌડા રાજ્યસભા મારફતે સંસદમાં પ્રવેશ કરશે. તેઓ ૧૯૯૬માં દેશના વડાપ્રધાન બન્યા હતા. તેઓ જનતાદળ સેક્યુલરના ઉમેદવાર બનશે.