(એજન્સી) જયપુર, તા.૧૫
બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજસ્થાનમાં સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના અધ્યક્ષ પદેથી કાઢી મુક્યા બાદ પાર્ટી નેતૃત્વએ આદેશ જારી કરીને સચિન પાયલટને મનાવી પરત બોલાવવાના પ્રયાસ કરવા જણાવ્યું હતું. સોનિયા ગાંધીએ આ આદેશ આપવાનો નિર્ણય ત્યારે કર્યો જ્યારે સચિન પાયલટે ભાજપમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. પાયલટને બહારનો રસ્તો દેખાડવો પાર્ટીના હિતમાં નહીં હોવાનું દબાણ સોનિયા ગાંધી પર બનાવાયું હોવાના અહેવાલો બાદ આ નિર્ણય લેવાયો હતો. સોનિયા ગાંધીના નિર્દેશો બાદ પાર્ટીના પ્રભારી અવિનાશ પાંડેએ નિવેદનમાં કહ્યું કે, સચિન માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે તેઓ આવે અને ખુલ્લા મનથી વાતચીત કરે. બીજી તરફ રણદીપ સૂરજેવાલાએ પણ પાયલટને પરત જયપુર આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે, બીજી તરફ આ નિવેદનોથી પરેશાન અશોક ગેહલોતે સચિન પાયલટ પર સીધો જ પાર્ટી વિરોધી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે બળવાખોર ધારાસભ્યો વિરૂદ્ધ કારણદર્શક નોટિક ફટકારી હતી. સોનિયા ગાંધી ગેહલોતના આ પગલાંથી નારાજ હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી અને પી ચિદમ્બરમ પણ સંપર્કમાં હોવાનો ખુલાસો ખુદ સચિન પાયલટે કર્યો છે. સૂત્રો અનુસાર સચિનને જણાવી દેવાયું છે કે, પહેલા પાર્ટી નેતૃત્વને મળીને પોતાની ભૂલ સુધારે પછી તેમની ભૂમિકા નક્કી કરાશે.