(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
ભાજપની સામે બાથ ભીડવા વિપક્ષી એકજૂટતાના પ્રયાસોની વચ્ચે કોંગ્રેસના સીનિયર નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું કે સોનિયા ગાંધીમાં વિપક્ષોને એકજૂટ રાખવાની તાકાત હોવાથી તેઓ યુપીએ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે.મોઈલીએ કહ્યું કે સોનિયા ગાંધીમાં જ સાથીઓને એકજૂટ રાખવાની તાકાત હોય છે. પહેલા ૨૦૦૪ અને ત્યારબાદ ૨૦૦૯ માં તેમણે સાબિત કરી દેખાડ્યું છે. નવાઈ નથી કે કે એક વખત યુપીએ સરકારનો હિસ્સો રહેલા શરદ પવાર હજુ પણ યુપીએ સાથે રહ્યાં છે. યુપીએમાં એક પણ પક્ષે છેડો ફાડ્યો નથી. ૨૦૦૯ અને ૨૦૦૪ માં શરદ પવાર અમારા ગઠબંધનનો હિસ્સો રહ્યાં હતા. તેમણે કહ્યું કે ભાજપનો વિરોધ કરનાર તમામ પક્ષોએ ભેગા મળીને તેની સામે પડવું જોઈએ અને અમિત શાહની આગેવાની વાળી પાર્ટીની સામે લડવા રાષ્ટ્રીય તાકાત દર્શાવવી જોઈએ. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી મોઈલીએ આગળ કહ્યું કે ભાજપનું નિશાન બંધારણીય આકાંક્ષાઓને ખતમ કરી નાખવાનું હોવાથી હવે તમામ વિપક્ષી પાર્ટીઓ ગઠબંધન રચવાની દિશામાં વિચારણા કરી રહી છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે ભાજપને બંધારણ, ધર્મનિરપેક્ષતા, સમાજવાદ અને સર્વાંગી રાજનીતિમાં વિશ્વાસ નથી અને બાબાસાહેબનું નામ વટાવી ખાવા માંગે છે. તેમણે કહ્યું કે અમે ફક્ત રાજનીતિ કરવા જ ભેગા થવાના નથી પરંતુ લોકશાહી વિરૂદ્ધની તમામ તાકતોની સામે લડવાની તૈયારી આદરી રહ્યાં છીએ. પ્રાદેશિક પાર્ટીઓએ તેઓ પોતાના સંબંધિત રાજ્યોમાં રાજકીય અસ્તિત્વ પર બાંધછોડ ન કરી શકે. તેને માટે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન કરવાની જરૂર છે. રાષ્ટ્રીય સ્તરે ભાજપની સામે લડવાની જરૂર છે. તેથી વિપક્ષી એકતાની જરૂર છે. દરેક પાર્ટી પોતપોતાની રીતે લડવાને બદલે સાથે મળીને લડવું જોઈએ. મને લાગે છે કે તમામ વિપક્ષી પાર્ટીઓને એક થઈને ભાજપની સામે લડવાનો સમય આવી ગયો છે અન્યથા, આવા પ્રકારની રાષ્ટ્રીય તાકાત ક્યારેય પણ નહીં હોય.