કોરોના મહામારી દરમિયાન તમામ રીતે સંખ્યાબંધ લોકોની મદદ માટે આગળ આવેલા સોનુ સૂદના ઘર તથા ઓફિસો પર સર્ચથી લોકોમાં આક્રોશ, લખનૌની કંપની સાથેના સોદામાં ટેક્ષચોરીની શંકા
(એજન્સી) મુંબઈ, તા.૧૫
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના મુંબઇ ખાતેના ઘર પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી અને અહેવાલો અનુસાર આઇટી વિભાગની ટીમે તેના ઘરનો સર્વે કર્યો હતો. આ ઉપરાંત સોનુ સૂદ સાથે સંબંધિત લખનઉ ખાતેની એક કંપની પર પણ દરોડા પડાયા હતા. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનુ સૂદની કંપની અને લખનઉ ખાતેની રિયલ એસ્ટેટ કંપની વચ્ચે તાજેતરમાં થયેલો સોદો આ સર્ચનો મુખ્ય લક્ષ્યાંક છે. આ સર્વે સોદામાં ટેક્ષ ચોરી સંદર્ભે લાગેલા આરોપો અંગે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ દરોડા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સોનુ સૂદની મુલાકાત બાદ પડાયા છે જેમાં પાટનગરમાં શાળાના વિદ્યાર્થીઓ અંગેના સરકારના મેન્ટરશિપ પ્રોગ્રામ માટે કેજરીવાલે તેને બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કર્યો હતો. જોકે, મુલાકાત બાદ સોનુ સૂદે સ્પષ્ટપણે જણાવ્યું હતુ ંકે, કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે રાજકારણમાં જંપલાવવાનો તેનો કોઇ ઇરાદો નથી. ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન લોકોને માનવીય મદદમાં સૌથી આગળ રહેલા સોનુ સૂદને તેના પ્રશંસકોમાં ખૂબ માન મળ્યું હતું. મહામારી દરમિયાન દાનના કામમાં આગળ રહેવા માટે ૪૮ વર્ષના અભિનેતાને વધાવી લેવાયો હતો. ગયા વર્ષે એપ્રિલ-મે માસ દરમિયાન લોકડાઉનને કારણે અનેક વિસ્તારોમાં ફસાઇ ગયેલા લોકો માટે સોનુ સૂદે બસો અને સ્પેશિયલ ફ્લાઇટોની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે બીજી લહેર દરમિયાન પણ તેણે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. જોકે, તેણે રાજકારણમાં જંપલાવવાનો ઇરાદો દર્શાવ્યો નથી છતાં આપના પ્રમુખ સાથે મુલાકાત બાદ અટકળોનો દોર ચાલુ રહ્યો હતો અને એવી અફવાઓ ફેલાઇ રહી છે કે, અભિનેતા આગામી વર્ષે પંજાબની ચૂંટણીમાં ભાગ લેશે. ભાજપના પ્રવક્તા આસિફ ભાંગલાએ કહ્યું કે, દરોડાને આની સાથે કોઇ સંબંધ નથી. કોઇપણ પ્રભાવશાળી વ્યક્તિ કોઇને પણ મળી શકે છે. આ માત્ર સર્ચ છે કોઇ રેડ નથી. પરંતુ ભાજપના ટીકાકારોએ આ દરોડા પર આક્રોશ ઠાલવ્યો છે. કેજરીવાલે પણ ટિ્વટ કરીનેજણાવ્યું હતું કે, સત્યના માર્ગમાં લાખો મુશ્કેલીઓ આવે છે પરંતુ સત્ય બહાર આવે છે. સોનુ સૂદને લાખો પરિવારોના આશિર્વાદ છે જેમને તેણે પારાવાર મુશ્કેલી દરમિયાન મદદ કરી છે. આપના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, લાખો લોકો માટે મસીહા બનનાર સોનુ સૂદના ઘરે આઇટીના દરોડા. આવી વ્યક્તિનેસમજી વિચારીને નિશાન બનાવવાનું દેખાડે છે કે, હાલનુ શાસન અસંવેદનશીલ છે અને રાજકીય રીતે અસુરક્ષા અનુભવે છે. શિવસેનાના નેતા આનંદ દૂબેએ જણાવ્યું હતું કે, મને આઘાત લાગ્યો, સોનુ સૂદે જે રીતે લાખો લોકોની મદદ કરી છે તેની સંપત્તિની લોકો સર્ચ કરી રહ્યા છે. મને નથી લાગતું કે તેણે કોઇ ગેરકાયદે કામ કર્યું હોય.
Recent Comments