અમદાવાદ,તા. ૫
શહેરમાં ડિપ્રેશનના કારણે વધુ એક યુવતીએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ જેતપુરની રહેવાસી અને અમદાવાદમાં વાસણા વિસ્તારમાં સ્વસ્તિક સોસાયટીમાં પીજી તરીકે રહેતી સોફ્ટવેર એન્જિનીયર નેહા રાબડિયાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વાસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીનો મોબાઇલ ફોન અને સ્યુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતીની સ્યુસાઇડ નોટમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, તેણી છેલ્લા પાંચેક વર્ષથી ડિપ્રેશનમાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વાસણા વિસ્તારમાં સ્વસ્તિક સોસાયટીના એલ બ્લોકમાં મૂળ કેશોદની રહેવાસી દિપ્તી અને ૩૦ વર્ષીય નેહા રાબડિયા પીજી તરીકે રહેતા હતા. હોળીના તહેવારને લઇ દિપ્તી કેશોદ ખાતે પોતાના ઘેર ગઇ હતી અને આજે સવારે તે પોતાના પીજીના મકાન પર આવી હતી. તેણીએ પોતાના રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ નેહાએ દરવાજો ખોલ્યો નહી, તેથી તેણીએ પોતાની પાસેની ચાવીથી ઘર ખોલ્યું હતું અને અંદર જોયું તો, નેહાનો મૃતદેહ પંખા પર લટકતો હતો. નેહાની લાશ જોઇ દિપ્તી ચીસ પાડી ઉઠી હતી અને આસપાસના લોકોને બોલાવી જાણ કરી હતી. યુવતીની આત્મહત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં વાસણા પોલીસ પણ તાત્કાલિક સ્ટાફ સાથે ત્યાં દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, નેહા મૂળ રાજકોટ પાસેના જેતપુરની રહેવાસી હતી અને મીઠાખળી પાસે વેબલાઇન ઇન્ડિયા પ્રા.લિ કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરતી હતી. નેહા પાસેથી સ્યુસાઇટ નોટ પણ પોલીસને મળી હતી, જેમાં લખ્યું હતું કે, તે પાંચેક વર્ષથી ડિપ્રેશનમાં રહેતી હતી અને તેથી હવે કંટાળીને તે આત્મહત્યા કરી રહી છે. પોલીસે નેહાનો મોબાઇલ ફોન અને સ્યુસાઇડ નોટ કબ્જે લઇ આ સમગ્ર મામલામાં એફએસએલની પણ મદદ લીધી છે. આ બંને યુવતીઓ પહેલા પ્રહલાદનગર વિસ્તારમાં પીજી તરીકે રહેતી હતી અને છેલ્લા છ મહિનાથી જ અહીં રહેવા આવી હતી. જો કે, નેહાની આત્મહત્યા પાછળ બીજા કોઇ શંકાસ્પદ કારણો પોલીસને હાલ તો જણાયા નથી પરંતુ તેમછતાં પોલીસે સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે.