અમદાવાદ, તા.ર૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ગુજરાતની ફેર પ્રાઈઝ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહ્‌લાદ મોદીએ રેશનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની વાતનો વિરોધ કર્યો છે અને જણાવ્યું હતું કે, આનાથી રેશનિંગ ડિલરોને પરેશાની ભોગવવી પડે છે. ઉપરાંત ગરીબોને પણ રેશન ન મળવાથી નિરાશવદને પાછા ફરવું પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ ગરીબોની સરકાર હોવાનો દાવો કરી રહી છે અને સરકારી યોજનાઓ અને લાભાને આધાર કાર્ડ સાથે જોડવાની વાત કરે છે પ્રહલાદ મોદીએ વિરોધ નોંધાવી કહ્યું છે કે, અનેક લોકોને ફેર પ્રાઇઝ શોપ પર લાગેલા સોફ્ટવેરની ટેકનીકલ ખરાબીના કારણે મહિનાનું રેશન નથી મળ્યું. આ મામલે તેમણે રાજ્ય સરકારને પણ આડે હાથે લીધી હતી અને ગુજરાત સરકારને આ મુશ્કેલીનો ઉકેલ લાવવાની માંગણી કરી છે. અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો જલ્દી આ અંગે કોઇ પગલાં નહીં લેવામાં આવે તો દુકાનોને બંધ કરી વિરોધ કરવામાં આવશે. રાજ્ય સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ૧૭,૦૦૦ રેશનિંગની દુકાનો પર લાભાર્થી સબસિડી વાળું અનાજ મેળવી શકે તે માટે એપ્રિલ ૨૦૧૬માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.
આવી દુકાનોને ઇએફપીએફ સોફ્ટવેરના માધ્યમથી કેન્દ્રીય ડેટાબેઝ સાથે જોડવામાં આવી છે. આ પ્રણાલી હેઠળ ગ્રાહકને રેશનના લાભ આપવા માટે આધાર કાર્ડનું વિવરણ અને અંગૂઠાનું નિશાન હોવું જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઇ પ્રહ્‌લાદ મોદીએ કહ્યું કે આ સોફ્ટવેરની અનેક દુકાનોમાં યોગ્ય રીતે કામ નથી કરતું. જેના કારણે અનેક લાભાર્થીઓને ખાલી હાથે પાછા જવું પડે છે. મોદીએ કહ્યું કે રાજ્યમાં અનેક દુકાનો સોફ્ટવેરની આ મુશ્કેલીથી પસાર થાય છે. જેમાં ગ્રાહકોના અંગૂઠાની છાપ અને આધાર કાર્ડ રીડ નથી કરતા. સાથે જ તેમણે કહ્યું કે આ સોફ્ટવેર સાથે અનેક સમસ્યા છે. ક્યારેક ફિંગરપ્રિન્ટ નથી થતી તો ક્યારેક આધાર કાર્ડની ડિટેલ નથી દેખાતી. તો કેટલીક વાર સોફ્ટવેર એટલું ધીમું ચાલે છે કે પુછો ના વાત. તો ક્યારેક લોગિનની સમસ્યા પણ થાય છે. આથી આનો વહેલીતકે નિવેડો લાવવો જોઈએ.