ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યો ઘટસ્ફોટ !
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨
વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાઈ રહી હોઈ તે માટે કડક બંદોબસ્ત સહિતની તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે ચૂંટણીને લઈને વિગતો આપતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગત રોજ અત્યંત ચર્ચાસ્પદ અને રાજકીય માહોલ ગરમ કરનાર કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશનના વીડિયો અંગે કોઈ જ ફરિયાદ તેમને હજુ સુધી મળી ન હોવાનું જણાવતાં આશ્ચય સાથે સવાલો ઊભા થઈ રહ્યા છે.
ગુજરાતની ૮ વિધાનસભાની બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીના પ્રચાર પડઘમ ગઇ કાલ સાંજથી શાંત પડી ગયા છે. બરાબર આ સમયે જ ભાજપ પર આકરા પ્રહાર કરી કોંગ્રેસે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલનો એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમણે ભાજપ સાથે પૈસા લઈને સોદાબાજી કર્યાની વાત સ્વીકારી હતી. ત્યારે આ મામલે કોંગ્રેસ અને ભાજપ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી ગુજરાતના રાજકરણમાં ગરમાવો લાવી દીધો છે. જોકે આવતી કાલે મંગળવારે રાજ્યની ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલીક્રિષ્નનું નિવેદન સામે આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલીક્રિષ્ને જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યમાંથી ૧ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે અને ભરૂચ પાસેથી ૨૫ લાખ રૂપિયાની રોકડ પણ ઝડપાઈ છે. ત્યાં જ ગઢડામાં પોલીસ અધિકારી સામે ફરિયાદ મળી આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલીક્રિષ્ને કોરોના મહામારીમાં કોવિડ નિયમ ભંગની પણ કુલ ૪ ફરિયાદ નોંધાઈ છે. જેમા ગઢડામાં ૩ અને કરજણમાં ૧ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુજરાતમાં સ્ટિંગ ઓપરેશન વિશે કહ્યું કે, કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશન વીડિયો અંગે કોઈ ફરિયાદ હજૂ સુધી મળી નથી. ચર્ચાસ્પદ વીડિયો પ્રકરણમાં કોઈપણ રાજકીય પક્ષ તરફથી પંચ સમક્ષ ફરિયાદ જ કરવામાં ન આવતા પશ્નો ઊભો થતો નથી. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થર્મલગન, એન ૯૫ માસ્ક ૪૧ હજાર, સાદા માસ્ક ૮૫ હજાર રાખવામાં આવ્યા છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૩૦૨૬ મતદાન કેન્દ્રનું સેનિટાઈઝેશન કરવામાં આવશે. મતદાન મથકમાં પ્રવેશ પહેલાં મતદારોનું તાપમાન, ઓક્સિજનની ચકાસણી કરાશે. બાદમાં ડાબા હાથની આંગળીએ અવિલોપ્ય વાદળી શાહીથી ટપકું થશે. મંગળવારે મતદાન પછી તા.૧૦મી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ચૂૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
Recent Comments