(એજન્સી) તા.ર૮
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક આઈસ્ક્રીમ શોપ પર થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં શનિવારે સાત લોકોનાં મોત થયા છે. હુમલાની જવાબદારી અલ-કાયદાથી સંબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે લીધી છે. આ હુમલો અમેરિકાના કાર્યવાહક સુરક્ષા સચિવ ક્રિસ્ટોફર મિલરના પ્રવાસના થોડાક જ કલાકો પછી થયો છે. ક્રિસ્ટોફર મિલર મોગાદિશુમાં અમેરિકન રાજદ્વારી અને સૈન્ય કર્મચારીઓને મળવા પહોંચ્યા હતા. સોમાલિયા સરકારના પ્રવક્તા સલાહ ઉમર હુસૈન આત્મઘાતી હુમલાનું સમર્થન કર્યું છે. સરકાર મુજબ આ નૃશંસ આત્મઘાતી હુમલામાં સાત લોકોનાં મોત થયા છે. અને આઠ ઘાયલ થયા છે. જણાવી દઈએ કે અલ-શબાબ આતંકી સંગઠન પહેલા પણ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલાને અંજામ આપતું રહ્યું છે. કુખ્યાત આતંકી સંગઠન અલ-શબાબે આ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ દરિયા કિનારે આવેલી એક પ્રસિદ્ધ હોટલને નિશાન બનાવી. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતા આતંકવાદીઓનો સામનો કર્યો. બંને તરફથી પાંચ કલાક સુધી ગોળીબાર થતો રહ્યો. અંતે સુરક્ષા દળોએ હોટલને આતંકીઓના જાળમાંથી મુક્ત કરાવી લીધી. આ આતંકી હુમલામાં એક પોલીસ અધિકારી સહિત ૧૬ લોકોનાં મોત થયા જ્યારે ડઝનો લોકો ઘાયલ થયા હતા.