વડોદરા, તા.ર
ગુજરાત સરકાર સોલર એનર્જીને પ્રાધાન્ય આપવા માટે સબસીડીની જાહેરાત કરે છે તો બીજી બાજુ સોલર પેનલ લગાવતી વિવિધ એજન્સીઓ દ્વારા સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી ગ્રાહકો પાસેથી ઇન્સ્ટોલેશન ચાર્જના નામે હજારો રૂપિયા રોકડમાં વસૂલાત કરી રહ્યા છે .જેથી ગ્રાહકો પાસેથી વધુ નાણાં પડાવતા હોવાના કિસ્સા દિનપ્રતિદિન બની રહ્યા છે.
ગુજરાતમાં સોલાર સિસ્ટમના અંદાજે બે લાખથી વધુ કનેક્શન લગાવવાનું અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કેટલીક એજન્સીઓ દ્વારા ગ્રાહકોને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી એજન્સી પોતાનો ફાયદો લઈ લેવાનો પ્રયત્ન કરે છે. જેથી ગ્રાહકો અને એજન્સી વચ્ચે વિવાદ સર્જાતા રહે છે.
ગુજરાત સરકારે સબસીડી જાહેર કરી છે તેમાં સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલમેન્ટનો ખર્ચો પણ સમાવેશ કર્યો છે. આ કામગીરીમાં પેનલ ઇન્વેટર સ્ટ્રક્ચર સીટીંગ સમગ્ર પ્રકારનો જરૂરી સામાન અને ઇન્સ્ટોલેશનનો ખર્ચ જે થાય તે પૈકી સબસીડી આપવામાં આવે છે ત્યારે કેટલીક એજન્સી ઇન્સ્ટોલેશનના બહાને રૂપિયા ૨૫ હજારનો વધારાનો ખર્ચો ગ્રાહક પાસેથી વસૂલાત કરે છે.
સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં ઇન્સ્ટોલેશન ચાર્જનો સમાવેશ થઈ જાય છે પરંતુ કઈ સાઇઝની પેનલ સુધી સરકાર ખર્ચ આપશે તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેનો લાભ એજન્સીના સંચાલકો દ્વારા લેવામાં આવી રહ્યો છે.
આ અંગે વડોદરા નિઝામપુરાના રહેવાસી મધુભાઈ ધોરાજીયાને વડોદરાની સોલાર એજન્સી સાથે થયેલા કડવા અનુભવ અંગે જણાવ્યું હતું કે સરકારના ધારાધોરણ પ્રમાણે સોલાર પેનલ લગાડવામાં આવી અને તેનું બીલ રૂપિયા ૧.૪૦ લાખ થયું હતું. તેમાંથી રૂપિયા ૫૮૦૦૦ એજન્સીએ સબસિડી આપી તે બાદ ૨૬૪૦૦ની વધારાની રકમ ઇન્સ્ટોલમેન્ટ ચાર્જ તરીકે માંગણી કરી હતી અને તેનું બીલ માગ્યું તો એજન્સીએના પાડી અને રોકડમાં રકમ ચૂકવવા જણાવ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં અનેક ગ્રાહકોને સોલાર પેનલ લગાવવામાં રોકડ રકમ ચૂકવવાનો વારો આવ્યો છે જેમાં આ પ્રકારની કામગીરી કરતી એજન્સીઓ દ્વારા લાખો રૂપિયાની જીએસટીની ચોરી પણ થતી હોવાનું માનવામાં આવે છે.
સોલર પેનલ લગાવતી વિવિધ એજન્સીઓ દ્વારા ગ્રાહકો પાસે ઈન્ટોલેશન ચાર્જના નામે ઉઘાડી લૂંટ

Recent Comments