(એજન્સી) મુંબઈ, તા.૧૯
આજે લોકડાઉનના ચોથા તબક્કાનો બીજો દિવસ છે અને મજૂરોનું સ્થળાતંર ચાલુ છે. સાથે જ મજૂરોની સાથે થઈ રહેલી દુર્ઘટના રોકાઈ રહી નથી. તાજેતરની ઘટના મહારાષ્ટ્રના યવતમાલની છે. અહીં મજૂરોથી ભરેલી એક બસનું એક્સિડન્ટ થઈ ગયું. આ ઘટનામાં ડ્રાઈવર સહિત ચાર લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે ૧૫ લોકો ઈજાગ્રસ્ત છે. તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. બસ સોલાપુરથી ઝારખંડ તરફ જઈ રહી હતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ યવતમાલના આરણી તાલુકામાં ઘટનાનો શિકાર થઈ ગઈ. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી દીધી. અગાઉ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં પ્રવાસી મજૂરોને લઈને જઈ રહેલો એક ટ્રક સોમવારે મોડીરાત્રે દુર્ઘટનાનો શિકાર થઈ ગયો હતો જેમાં સવાર ત્રણ મહિલાઓનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને લગભગ બે ડઝન મજૂરને સામાન્ય ઈજા પહોંચી હતી.