(એજન્સી) તા.૧૯
જેના ઉપર કોઇપણ જાતનો વ્યાપક અંકુશ નથી અને જેના ઉપર કોઇનું નિયંત્રણ પણ નથી એવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને લગતી તમામ સમસ્યાઓ અને ફરિયાદોના ઉકેલ માટે તમામ રાજકીય પક્ષોએ તેઓના મતભેદોને ભોંયમાં ભંડારી દઇ યુઝર્સની માહિતીની સલામતી અને તેની પ્રાઇવસીના મુદ્દે બે મોંઢાંની વાતો કરવાનું બંધ કરી દેવું જોઇએ એમ આરએસએસના વિચારક અને ભાજપના પૂર્વ મહામંત્રી કેએન ગોવિંદાચાર્યએ સોમવારે કહ્યું હતું. ફેસબુક ઇન્ડિયાના પબ્લિક પોલીસી ડાયરેક્ટર અંખી દાસે ભાજપના નેતા દ્વારા મૂકાયેલી ભડકાઉ, ઉશ્કેરણીજનક અને નફરત ફેલાવતી પોસ્ટને દૂર કરવા કોઇ પગલાં લીધા નહોતા એવા વોલ સ્ટ્રીટ જનરલ દ્વારા આક્ષેપ મૂકાયા બાદ જાગેલા વિવાદના પરિપ્રેક્ષ્યમાં બોલતા ગોવિંદાચાર્યએ કહ્યું હતું કે આ મૂળભૂત અને પદ્ધતિસરની સમસ્યાના ઉકેલ માટે જેમ કોંગ્રેસે માંગણી કરી હતી તેમ એક સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સોશિયલ મીડિયાના તમામ કામકાજની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવવી જોઇએ. એકબીજાની ઉપર આરોપ-પ્રત્યારોપ કરવાના બદલે રાજકીય પક્ષો એક થઇને જવાબદારી નક્કી કરવાના મૂળ પ્રશ્ને અને અને તેના ઉકેલ માટે એક ચોક્કસ પદ્ધતિ ઊભી કરવા જરૂરી કાયદો ઘડવાની દિશામાં ઘણુ સારું કામ કરી શકશે. રાજકીય પક્ષો જ્યારે સત્તામાં હોય છે ત્યારે કંઇક જુદી જ ભાષામાં બોલે છે અને વિરોધ પક્ષમાં હોય છે ત્યારે તેમના તમામ સૂર બદલાઇ જાય છે એમ ગોવિંદાચાર્યએ કહ્યું હતું. ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓને તેઓના સર્વર ભારતમાં જ ઊભા કરવાની ફરજ પાડતો નિયમ ઘડી નાખવા દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરનાર અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર નિયંત્રણો લાદવા અભિયાન ચલાવી રહેલા ગોવિંદાચાર્ય ઇન્ટરનેટ ટેકનોલોજી કંપનીઓ ભારત સરકારને વધુ કરવેરા ચૂકવે તે માટે ખૂબ જ ઝડપથી એક કાયદો ઘડી કાઢવાની ઝુંબેશને પણ પૂરજોશથી આગળ વધારી રહ્યા છે. ગોવિંદાચાર્યએ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે માહિતીની સલામતી, યુઝર્સની પ્રાઇવસી અને કરવેરા સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ સાથે મીટિંગ નહીં કરવાની તાકીદ કરી હતી. રાજકીય પક્ષોએ પોતાની અનુકૂળતા મુજબ પોતાના મૂલ્યો અને વિચારધારા બદલવી જોઇએ નહીં. યુઝર્સની પ્રાઇવસીના પ્રશ્નના, અને સોશિયલ મીડિયા ઉપર મૂકાયેલી પોસ્ટ પ્રત્યે પસંદગીયુક્ત અને રાગદ્વેષવાળો અભિગમ અપનાવવાના પ્રશ્નના ઉકેલ માટે તેઓએ સંયુક્ત સંસદીય સમિતિનો ઉપયોગ કરવો જોઇએ એમ આરએસએસના દિગ્ગજ નેતાએ કહ્યું હતું.
Recent Comments