(એજન્સી) તા.૧ર
આસામના સિલચરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણોની અસર ધીમે ધીમે સમગ્ર આસામના કાચર જિલ્લામાં જોવા મળી હતી. જેના પગલે ૮ એપ્રિલે સરકારે સીઆરપીએફ તથા બીએસએફના બે-બે પ્લાટૂન સમગ્ર વિસ્તારમાં તૈનાત કરી દીધા હતા. પોલીસના જણાવ્યાનુસાર સોશિયલ મીડિયા પર કોઇ ઘવાયેલી વ્યક્તિની તસવીર વાઇરલ થયા બાદ આ હિંસા ભડકી હતી. જોકે આ એક અફવા હતી. જેના પગલે સોમવારે સાંજે રોષે ભરાયેલા લોકોએ એક ઓટો રિક્ષાને આગ ચાંપી દીધી હતી. હિંસક ઘટનાઓને કારણે સમગ્ર ક્ષેત્રમાં તંગદિલી છવાઇ ગઇ હતી. બંને સમુદાયના લોકો ઘવાયા પણ હતા. જોકે અજાણ્યા તત્વો દ્વારા આ રિક્ષાને ૧૧ વાગ્યાના સુમારે રંગીખારી ખાતે આગ ચાંપવામાં આવી હતી. જોકે બે દિવસમાં જ આસામના જુદા જુદા વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બનવા લાગી હતી. મીડિયાના અહેવાલો અનુસાર હિંસા ત્યારે વધારે ભડકી જ્યારે કાલિબારી ચાર વિસતારમાં બે ઘરો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ. તેના બાદ આ વિસ્તાર યુદ્ધનું મેદાન બની ગયું હતુંં. લોકો એકબીજા પર પથ્થરો વરસાવા લાગ્યા અને ઘરોમાં તોડફોડ કરવા લાગ્યા હતા. હિંસામાં ઘાયલ થયેલા લોકોને સિલચરના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લઇ જવાયા હતા. પોલીસે પણ લોકોના ટોળાને કાબૂ કરવા માટે બળપ્રયોગ કર્યો હતો. તેમ છતાં લોકો કાબૂમાં આવ્યા ન હતા. બાદમાં રોષે ભરાયેલા ટોળાને કાબૂ કરવા માટે સીઆરપીએફ અને વધારાની પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. જોકે રવિવાર રાતે પણ જોરદાર પથ્થરમારાની બે ઘટનાઓ બની હતી. જોકે આ ઘટનાઓ જ્યાં બની ત્યાંથી પોલીસ સ્ટેશન ફક્ત ૭૦૦ મીટરના અંતરે જ આવેલું હતુંં. જોકે હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ૧૦ જેટલા લોકો ઘવાયા હતા. જેમાંથી ત્રણ ઓળખ નૂર ઇસ્લામ લશ્કર, તેની પત્ની ઝમીરા બેગમ લશ્કર અને દીકરી આયશા લશ્કર તરીકે થઈ હતી. ત્રણે જણ કાલીબારી ચાર વિસ્તારના વતની છે. કાચાર વિસ્તારના એસપી રાકેશ રોશને જણાવ્યુંં કે સોમવાર રાતે બે વ્યક્તિની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે અનેક પૂછપરછ પણ કરાઇ હતી. અને હવે સ્થિતિ કાબૂમાં લઇ લેવાઇ છે. જોકે અથડામણનું કારણ જાહેર થઇ શક્યું નથી. પરંતુ સ્થાનિકો દાવો કરે છે કે ચાર વિસ્તારના બે પરિવારો વચ્ચે ગત વર્ષથી સંઘર્ષ ચાલુ હતુંં. જ્યારે એક હિન્દુ છોકરી મુસ્લિમ યુવક સાથે પલાયન કરી ગઇ હતી. તેના બાદ બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા થયા હતા.