અમદાવાદ,તા. ૭
ફેસબુક સહિત સોશ્યલ મીડિયામાં તમારી વિગતો અને જાણકારી અપલોડ કરતા પહેલા વિચારજો કારણ કે, આ માહિતીનો દૂરપયોગ કરી કોઇ તમારી સાથે ઠગાઇ કે છેતરપીંડી આચરી શકે છે. ફેસબુક પર મૂકેલી માહિતીના આધારે શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા એક વેપારીને વડોદરાનો શખ્સ રૂ.૧૫ લાખનો ચુનો લગાડી ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીની ફરિયાદના આધારે મણિનગર પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને મણિનગર વિસ્તારમાં રામબાગ પાસે ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા સમીર ઘનશ્યામભાઇ પટેલ(ઉ.વ.૪૭) પર ગત જૂન મહિનામાં વડોદરાથી કરણ પટેલ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે નવી સ્કૂલ શરૂ કરી હોવાથી ઇલેકટ્રોનિક્સ આઇટમોની માંગણી કરી હતી. કરણે સમીરભાઇને ફોનમાં જણાવ્યું હતું કે, આપણે સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા અને હું તમારા માતા-પિતા અને દુર્ગા સ્કૂલના આચાર્યને પણ ઓળખું છું. કરણની વાતમાં ભોળવાઇ જઇ સમીરભાઇને લાગ્યુ કે, તેમના સ્કૂલ કાળનો સાથી મિત્ર હશે, પરંતુ કદાચ તેમને યાદ નહી આવતું હોય એમ માની સમીરભાઇએ વડોદરાના કરણ પટેલને ૮.૭૬ લાખની કિંમતના ૧૪ એસી અને ચાર એલઇડી ટીવી આપ્યા હતા. જયારે ૬.૨૪ લાખની કિંમતના ૧૦ મોંઘાદાટ મોબાઇલ પણ આપ્યા હતા. બીજીબાજુ, આ માલસામાન લેતા પહેલા કરણે સમીરભાઇને રૂ.૧૫ લાખની રકમનો ચેક લખેલો ફોટો તેમના વોટ્‌સઅપ પર મોકલી આપ્યો હતો. કરણનો માણસ ઇલેક્ટ્રોનિક્સ સામાન ભરીને વડોદરા આવી ગયો હતો, બીજીબાજુ, સમીરભઆઇને રૂપિયા નહી મળતાં તેમણે કરણ પાસે ઉઘરાણી શરૂ કરી હતી પરતુ કરણ પૈસા આપવાની વાત ટલ્લે ચઢાવતો હતો. સમીરભાઇએ પોલીસમાં જવાની વાત કરતાં કરણે તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારાથી થાય તે કરી લો, તમારા રૂપિયા નહી મળે. તમે કઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, તમારા માતા-પિતાનું શું નામ છે અને તમારા મિત્રો કોણ છે તે તમામ વિગતો ફેસબુક એકાઉન્ટ પરથી જાણી હતી એમ કહી કરણે ફોન મૂકી દીધો હતો. આમ, ફેસબુક પર મૂકેલી વિગતોના આધારે રૂ.૧૫ લાખની ઠગાઇનો ભોગ બનતાં સમીરભાઇએ મણિનગર પોલીસમથકમાં વડોદરાના કરણ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.