(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
ભારત દેશમાં અંધશ્રદ્ધાળુઓનો કોઈ વિકલ્પ નથી. જેથી અનેક વખત ધૂતારો લોકોને લૂંટતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોની કોરોનાની રસી શોધવામાં લાગ્યા છે. પરંતુ હજી સુધી આ વાયરસનો કોઈ સચોટ ઈલાજ મળ્યો નથી. પરંતુ વડોદરાના એક જાણીતા વિસ્તારના લોકોમાં અફવા ફેલાઈ કે પીપળાના ઝાડને પાણી પીવડાવવાથી કોરોના વાયરસ દૂર થઈ જાય છે અને લોકોના ટોળા પીપળે પાણી પીવડાવવા પહોંચી ગયા હતા. જો કે આ અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને કારેલીબાગ પોલીસ એક્શનમાં આવી હતી. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ. જાડેજા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર નવીધરતી નાગરવાડા ગોલવાડમાં આવેલા બળિયાદેવ મંદિરે લોકોનું ટોળું પીપળાના ઝાડને પાણી પીવડાવી રહ્યા છે. તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાબત અમારા ધ્યાને આવતા ટોળાને વિખેરવા માટે વાયરલ થયેલા વીડિયોને ખૂબ બારીકીથી તપાસવામાં આવ્યો હતો. જેમાં છ જેટલા શખ્સો ઓળખાઈ ગયા હતા. જેથી પોલીસે આ શખ્સોની અટકાયત કરતા ટોળુ વિખેરાઈ ગયું હતું.