(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૭
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરમાં કોમી તોફાન થયા બાદ સોશ્યલ મીડિયા પર એકબીજી કોમ વચ્ચે ઘર્ષણ થાય, દુશ્મનાવટ થાય, ધિક્કાર અને દ્વેષભાવની લાગણીઓ ઉત્પન્ન થાય તેમજ લોકોમાં ભય અને દહેશત છવાય તેમજ જાહેર શાંતિનો ભંગ થાય તેવા આશ્રયથી ઓડીયો ક્લીપ ફરતી કરનાર બે શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગત રવિવારે ખંભાત શહેરના અકબરપુર સહિત વિવિધ વિસ્તારોમાં કોમી તોફાનો થયા હતા. ત્યારબાદ મંગળવારે કેટલાક શખ્સો દ્વારા મોબાઈલ ફોનના માધ્યમથી વોટ્‌સઅપ ગ્રુપમાં બનેલા કોમી તોફાનો સંદર્ભે એકબીજા સમાજમાં ઉશ્કેરણીજનક મેસેજ તથા ઓડીયોક્લીપ ફરતી થઈ તેમજ આ પ્રકારના મેસેજ અને ઓડીયો ક્લીપ દ્વારા એકબીજા સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય અને જેના કારણે બે કોમ વચ્ચે ઘર્ષણ થાય, દુશ્મનાવટ, ધિક્કાર અને દ્વેષભાવની લાગણીઓ ઉત્પન્ન થાય, લોકોમાં ગભરાટ પેદા થાય અને જાહેર શાંતિનો ભંગ થાય, લોકોમાં ગેરસમજ ફેલાય અને ખંભાત શહેરની શાંતિ ડહોળાય અને તેના કારણે બીજા મોટા બનાવો બને અને એકબીજાની લાગણીઓ દુભાય તેવા ઈરાદાથી સોશ્યલ મીડિયા પર ઓડીયો ક્લીપ અને પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. જે બનાવ અંગે આણંદની એસઓજી પીઆઈ વી. કે. ગઢવી દ્વારા ઓડીયો ક્લીપ ફરતી કરનાર શખ્સો વિરૂદ્ધ ખંભાત સીટી પોલીસ મથકે ઈપીકો કલમ ૫૦૫, ૨૯૫(ક) તથા ઈન્ફર્મેશન કલમ ૬૫ મુજબ ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે બીજી ફરિયાદમાં આણંદ એલસીબીના હે.કો. સંજયકુમાર દયારામે ખંભાતમાં એમ. ટી. સ્કુલની બાજુમાં આદર્શ શોમીલમાં રહેતા મતીનભાઈ યુનુસભાઈ વ્હોરાએ પોતાના મોબાઈલફોનના માધ્યમથી વોટ્‌સઅપ ગ્રુપમાં ખંભાતમાં બનેલ કોમ્યુનલ બનાવ અંગે એકબીજા સમાજમાં ઉશ્કેરણીજનક મેસેજ તથા ઓડીયો ક્લીપ ફરતી કરેલ હોય તેની વિરૂદ્ધ ગુનો નોંધી જેની વધુ તપાસ એલસીબી પીઆઈ એચ. બી. ચૌહાણ કરાવી રહ્યા છે.