નવા વર્ષે હજના ફોર્મ ભરનાર ઉમેદવારોએ વધારાની કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૧
હજયાત્રાએ જનાર દરેક ઉમેદવારે ઈન્કમટેક્સનું રિટર્ન ભરવું ફરજિયાત છે, તે મતલબના સમાચાર તાજેતરમાં મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, તે બાબતે હજ કમિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, કમિટી તરફથી ઈન્કમટેક્સ રિટર્ન અંગેની કોઈ સૂચનાઓ બહાર પાડવામાં આવેલ નથી.
ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આર.આર.મનસુરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તાજેતરમાં મીડિયામાં અને વ્હોટ્‌સએપ ગ્રુપમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી હાજીઓ માટે ઈન્કમટેક્સનું રિટર્ન ભરવાની શરત ફરજિયાત કરવામાં આવી છે, તે મતલબના સમાચાર વહેતા થયા છે. આ બાબતે હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી ઈન્કમટેક્સ રિટર્ન અંગેની કોઈ સૂચનાઓ બહાર પાડવામાં આવેલ નથી તેથી આવી સૂચનાઓના પગલે દરેક હાજીએ ફોર્મ ભરવાની શરતરૂપે પહેલાં ઈન્કમટેક્સ રિટર્ન ભરવું જ પડશે, તે બાબતને ગુજરાત હજ કમિટી સમર્થન આપતી નથી. ઈન્કમટેક્સ એક્ટની જોગવાઈઓ જોતા એવું ફલિત થાય છે કે, કોઈપણ વ્યક્તિએ વિદેશ પ્રવાસ પાછળ રૂપિયા બે લાખ કે તે કરતાં વધારે ખર્ચ કર્યો હોય તો તેણે એ પછીના વર્ષમાં રિટર્ન ભરી તેમાં વિગતો દર્શાવવાની રહે છે. ઈન્કમટેક્સની આ શરત કોઈ નવી શરત નથી, આથી નવા વર્ષના હજના ફોર્મ ભરનાર હજયાત્રીઓએ આ તબક્કે કોઈ વિશેષ ચિંતા કરવાની કે, વધારાની કોઈ કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી. જો ઈન્કમટેક્સ વિશે કાર્યવાહી કરવાની આવશે તો હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા પરિપત્ર અથવા હજ ૨૦૨૧ની ગાઈડલાઈન દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.