• અમુક હોસ્પિટલોએ દર્દીઓને આયુષ્માન કાર્ડમાં ટ્રાન્સફર કરવાનું કહેતા વાત પ્રસરી ! • મા અમૃતમ યોજના બંધ નહિ થાય, મેસેજ સત્યથી વેગળા : હેલ્થ કમિ.
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧પ
આરોગ્ય ક્ષેત્રની અત્યંત મહત્વની એવી મા અમૃતમ કાર્ડ યોજના બંધ થઈ રહી હોવા અંગેના અહેવાલો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાઓ ઉઠવા સાથે રાજયની વિવિધ હોસ્પિટલો સહિત કાર્ડ બનાવવાની ઓફિસો બહાર લોકોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી. જેમાં આ સમાચાર અમુક હોસ્પિટલોના કારણે વાયરલ થયા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. લોકોમાં ફેલાયેલ ચિંતા અને ગેરસમજને લઈ રાજય સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મા અમૃતમ કાર્ડની યોજના બંધ થઈ નથી. લોકોએ ગેરમાર્ગે દોરવાવું નહીં. રાજયના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજય સરકાર દ્વારા અમલી મા અમૃતમ કાર્ડની યોજના બંધ નહીં થાય. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મા અમૃતમ કાર્ડ બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે. તેમણે ઉમેર્યું કે, ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી મા અમૃતમ કાર્ડની યોજનાને રાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે આ યોજના બંધ કરવામાં આવનાર છે એવા ખોટા મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે. એટલે નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી અમૃતમ ‘મા’/‘માં’ વાત્સલ્ય યોજનાના સોફટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઈ શકે છે. પરંતુ તમામ હોસ્પિટલોને કોઈપણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે. તેમજ મંજૂરી મળવામાં કોઈ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. મા અમૃતમ કાર્ડ બંધ થયું હોવાની વાત વહેતી થયા બાદ અને હોસ્પિટલોમાંથી ડાયલિસીસ સહિતના દર્દીઓને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે મા અમૃતમ કાર્ડમાં તમને ફ્રી ડાયાલિસીસ સહિતની સુવિધાઓ નહીં મળે કારણ કે મા અમૃતમ કાર્ડ બંધ થાય છે તમારો ડેટા આયુષ્માન કાર્ડમાં ટ્રાન્સફર કરાવવો પડશે. જેના કારણે દર્દીઓ આયુષ્માન કાર્ડ લેવા માટે દોડયા હતા. સમગ્ર વિવાદની જાણ ગાંધીનગર થઈ હતી અને એવી રજૂઆત કરવામાં આવી હતી કે હોસ્પિટલોએ સરકારનું નામ લઈને મા કાર્ડની સુવિધા બંધ કરી દીધી છે. એટલે છેવટે રાજય સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે.