(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ,તા.૩

માણસ શરીરથી ભલે ઘરડો થાય પરંતુ મનથી કયારેય ઘરડો થતો નથી એવું જ કઈ આજથી ચાર વર્ષ અગાઉ નિવૃત્ત થયેલા ગુજરાતના પોલીસ વડા પીસી ઠાકુરના કેસમાં જોવા મળ્યું છે. આઈપીએસ પી.સી. ઠાકુર સંગીતના તાલે ઝૂમી રહ્યા હોય તેવો વીડિયો સોશીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ગીતના  તાલે ઝૂમી હાથથી સીટી વગાડતા પી.સી. ઠાકુરનું આવું રૂપ જોઈ સહુ દંગ રહી ગયા છે. ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા નિવૃત્ત થતા તેમના સ્થાને નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાએ પદગ્રહણ કર્યું છે. ત્યારે આ જ પદ પર  અગાઉ ર૦૧૩થી ર૦૧૬ સુધી પી.સી. ઠાકુર હતા. સ્વભાવે સરળ શાંત અને મિલનસાર સ્વભાવના  પીસી ઠાકુર સદા હસ્તો ચહેરો ધરાવતા હતા વર્ષ ર૦૧૬માં નિવૃત્ત  થયા બાદ કવિ હૃદય પીસી ઠાકુર વડોદરા ખાતે સ્થાયી થઈ સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા રહે છે. ગઈકાલે રવિવારના રોજ ફ્રન્ડશીપ ડે હોવાથી પીસી ઠાકુર તેમના મિત્રો સાથે પાવાગઢના જંગલ વિસ્તારમાં પીકનિક માટે ગયા હતા. જીન્સ, કલરફુલ ટી શર્ટ અને માથે હેટ પહેરી યુવાન દેખાતા પી.સી. ઠાકુર ગીત સંગીતના તાલે તેમના ફેવરીટ ગીત પર હાથની આંગળીઓથી સિટી વગાડી ડાન્સ કરવા  લાગતા તેમના મિત્રોએ વીડિયો ઉતાર્યો હતો. પીસી ઠાકુર ‘દિલ લૂટને વાલે જાદુગર, અબ મેને તુજે પહેચાના હૈ’ ગીત પર મસ્ત બની ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા  તેમનું આ નવું રૂપ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.