(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૨૫
આરોપી ઉંમર ખાન પઠાણના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો તથા તેના દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવતાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. મેટ્રો કોર્ટે ફગાવતા નોંધ્યું હતું કે ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ કરનારને ના બક્ષી શકાય. આરોપીએ લખનઉના વીડિયોને શાહઆલમનો વીડિયો બતાવીને વાઇરલ કર્યો હતો. તો બીજી તરફ આરોપીઓ મસ્તાન ઉર્ફે ગેંડા અને મયુદીન દીવાન કે જેઓ બન્નેના સીસીટીવીમાં પથ્થરમારાના દૃશ્યોમાં કેદ થતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમણે પણ કોર્ટમાં જામીન અરજી કરી છે. ઉપરોક્ત જામીન અરજીઓ પર આવતીકાલે કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. આગામી દિવસોમાં અન્ય આરોપીઓ તરફથી જામીન અરજી કરવાની પણ શકયતાઓ છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદના શાહઆલમમાં સીએએના વિરોધ પ્રદર્શનમાં પથ્થરમારો કરનારા ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સર્ચ ઓપરેશન બાદ આરોપીઓની ધરપકડ કરી હતી અને ૫ હજારથી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. ઈસનપુર પોલીસ મથકે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૂકાવટ તેમજ ષડયંત્ર રચી હુમલો કરવો, ગેરકાયદેસર મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટિંગની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મહત્ત્વનું છે કે ઈસનપુરના પી.આઈ. જે.એમ. સોલંકીએ હુમલાની ફરિયાદ નોંધાવી હતી.