(એજન્સી) મુંબઈ, તા.૧૯
મુંબઈ આધારિત એક લોયર્સ એસોસિએશને બોમ્બે હાઈકોર્ટમાં સીબીઆઈના નિર્ણય સામે જાહેરહિત અરજી દાખલ કરી છે. સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં ટ્રાયલ કોર્ટે કેસમાંના આરોપીઓમાંથી એક ભાજપાના અધ્યક્ષ અમિત શાહને કોર્ટે કેસમાંથી મુક્તિ આપી હતી. કોર્ટે આપેલી આ મુક્તિને હાઈકોર્ટમાં ન પડકારવા સીબીઆઈએ નિર્ણય કર્યો હતો જેની સામે એસોસિએશને અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવ્યું છે કે, હાઈકોર્ટે સીબીઆઈને આદેશ આપવો જોઈએ કે એ નીચલી કોર્ટના આદેશ સામે રિવિઝન અરજી દાખલ કરે. અરજદારે જણાવ્યું કે, હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ રરમી જાન્યુઆરીએ અરજી રજૂ કરાશે. અરજદારે જણાવ્યું કે, સીબીઆઈ એક ખાસ તપાસ એજન્સી છે. કાયદાનું શાસન સ્થપાય એના માટે કાર્ય કરવું એમની ફરજ છે પણ કમનસીબે એ પોતાની ફરજ ચૂકી છે. ટ્રાયલ કોર્ટે આ રીતે અન્ય આરોપીઓ જેમાં રાજસ્થાનના પીએસઆઈ ઓ.હિમાશુંસિંઘ અને શ્યામસિંઘ ચરન છે અને અન્ય પોલીસ અધિકારી એન.કેે.અમીનને પણ મુક્ત કર્યા હતા. જે મુક્તિને સીબીઆઈએ હાઈકોર્ટમાં પડકારી છે પણ અમિત શાહની મુક્તિને કેમ ન પડકારી. સીબીઆઈનું આ પ્રકારનું કૃત્ય ભેદભાવપૂર્ણ અને મનસ્વી છે એ ઉપરાંત સીબીઆઈનું વલણ શંકાસ્પદ છે. સુપ્રીમકોર્ટે આ કેસની ટ્રાયલ ગુજરાતમાંથી ખસેડી મુંબઈ ચલાવવા આદેશ કર્યો હતો જેથી કોઈ પક્ષપાત નહીં થાય. સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર ગુજરાત અને રાજસ્થાનની પોલીસે ર૦૦પના વર્ષમાં કર્યું હતું. જેમાં એમની પત્ની કૌશર બીનું પણ મૃત્યુ થયું હતું. એ પછી એમના સાથી તુલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર કરાયું હતું.