(એજન્સી) મુંબઈ, તા.ર૮
શહેરની એક વકીલોના એસોસિએશને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય કાર્યકારી ન્યાયાધીશને પત્ર લખી માગણી કરી છે કે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસને અન્ય કોર્ટમાં તબદીલ કરાયા હોવા અંગે ફેરવિચારણા કરવી જોઈએ. પત્રમાં જણાવ્યું છે કે આ કેસમાં ડિસ્ચાર્જ કરાયેલ પોલીસ અધિકારીઓના ડિસ્ચાર્જને પડકારતી અરજીઓની સુનાવણીને અન્ય જજ પાસે મોકલવાથી લોકોને ખોટો સંદેશ મળશે. આ પ્રકારના ફેરફારથી લોકોના ન્યાયતંત્રમાં વિશ્વાસ ઘટશે. એસોસિએશને મુખ્ય ન્યાયાધીશ તહેલરામાનીએ લખ્યું છે કે આ બાબત તાત્કાલિક યોગ્ય પગલાં લો જેથી દેખાય કે ન્યાય થયો છે. ર૪મી ફેબ્રુઆરીએ જજોને અપાતા કામમાં ફેરફાર કરાયો હતો. સોહરાબુદ્દીન કેસમાં ડિસ્ચાર્જની અરજીઓનો કેસ જજ રેવતી પાસેથી લઈ જજ એનડબ્લ્યુ સાંબરેને અપાયો હતો. જજ રેવતી મોહિતે આ કેસની સુનાવણી રોજેરોજ કરી હતી તેમ છતાંય એમની પાસેથી કેસ પાછો લેવાયો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારે જણાવ્યું કે આ હાઈકોર્ટની સામાન્ય પ્રથા છે એ માટે એમાં વધુ ઉંડાણમાં જવાની જરૂર નથી. એસોસિએશને જણાવ્યું કે એ વાત ખરી છે કે મુખ્ય ન્યાયાધીશને આ માટે સત્તાઓ છે પણ આ પ્રકારની સત્તાઓનો ઉપયોગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી લોકોના હિતમાં હોય એ રીતે કરવો જોઈએ. આ કેસમાં જજ રેવતી દેરેએ સીબીઆઈની તીવ્ર આલોચનાઓ કરી હતી જેના કારણે એમની પાસેથી કેસ પરત લેવાયો છે એવું લોકો માની રહ્યા છે. આ કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમેત અમિત શાહ પણ આરોપી હતા જેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. એસોસિએશને જણાવ્યું કે સીબીઆઈ સામે એક જાહેરહિત અરજી દાખલ કરાયેલ છે જેમાં એમને પુછાયું છે કે તમે ડિસ્ચાર્જ કરાયેલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ડિસ્ચાર્જને કેમ પડકાર્યો નથી. એ જાહેરહિત અરજી જજ બીઆર ગવઈ સાંભળશે. જો કે જજ ગવઈએ જ જજ છે જેમણે પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું હતું કે જજ લોયાના મૃત્યુ બાબતે કોઈ પણ શંકાસ્પદ વાત નથી. એસોસિએશનને હજુ સુધી મુખ્ય ન્યાયાધીશ પાસેથી કોઈ જવાબ મળેલ નથી.
સોહરાબુદ્દીન કેસની પુનઃ સોંપણી
હાઈકોર્ટના જે જજ અરજીઓની સુનાવણી
કરતા હતા એ રજા ઉપર ઊતરી ગયા
બોમ્બે હાઈકોર્ટના જજ રેવતી મોહિતેદેરે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જ કરાયેલ આરોપીઓના ડિસ્ચાર્જને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહ્યા હતા. એમણે પોતાની રજાઓ ૧લી માર્ચ સુધી લંબાવી છે. જો કે એ સ્પષ્ટ નથી કે જજના આ પગલાં સાથે સોહરાબુદ્દીન કેસ સાથે કોઈ નિસ્બત છે કે કેમ ? આ અરજીઓની પુનઃ સોંપણી અન્ય જજને ગયા અઠવાડિયે સોંપાઈ હતી. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ એસ.બી. અગ્રવાલે જણાવ્યું કે આ બાબત કોઈ કારણ નથી. જજ મોહિતે-દેરેએ રજાની માંગણી કરી હતી જે મંજુર કરાઈ હતી. આ પ્રકારનો કામનો ફેરફાર હાઈકોર્ટનું રૂટિન કામ છે. જજ મોહિતે ડિસ્ચાર્જ કરાયેલ પોલીસ અધિકારીઓના ડિસ્ચાર્જને પડકારતી પાંચ અરજીઓની સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન જજે સીબીઆઈની સહકાર નહીં આપવાતા વલણના લીધે ઘણી ટીકાઓ કરી હતી. જે પણ એક કારણ માની શકાય છે.