અમદાવાદ,તા.૧૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવપ્રશિક્ષિત લોકરક્ષક યુવાશક્તિને આહવાન કર્યું છે કે, ભારતના બંધારણે કાનૂન દ્વારા આપેલી સત્તાનો ઉપયોગ સમાજની સલામતી, શાંતિ અને સુરક્ષા માટે તેઓ કરે. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દળના ઈતિહાસમાં સૌથી મોટી પાસિંગ આઉટ પરેડમાં અમદાવાદ શહેર પોલીસ દળમાં જોડાઈ રહેલા ૨૩૦૧ નવપ્રશિક્ષિત લોકરક્ષક યુવા-યુવતિઓને દિક્ષાંત પ્રવચનમાં આ આહવાન કર્યું હતું. વિજય રૂપાણીએ જોમ-જુસ્સાથી તરવરતા આ લોકરક્ષકોને પ્રેરણા આપતાં કહ્યું કે, ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા-શાખ દેશભરમાં સર્વોચ્ચ છે. પાતાળમાંથી પણ ગુનેગારોને શોધી કાઢી તેને સજા-દંડ કરાવવાની આપણી પોલીસની છબિને આ લોકરક્ષક કર્મીઓ ગુનેગારોને નશ્યત કરવાના પગલાં સાથે વધુ ઉજાળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાના જાન-માલની રક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સુદ્રઢતા માટે પાયાના કર્મયોગી એવા આટલી મોટી સંખ્યામાં લોકરક્ષકની તાલીમ કસોટીની એરણે ખરા ઉતરીને પારદર્શી ભરતીથી અમદાવાદ શહેર પોલીસ વધુ સક્ષમ બન્યું છે.