યોજના થકી ૩૩ લાખ વસ્તીની પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે
મુખ્યમંત્રીનાં હસ્તે નાવડા-ચાવંડ બલ્ક પાઈપલાઈન યોજનાનું ખાત મુહૂર્ત
અમરેલી, તા.૬
અમરેલી જિલ્લાના ચાવંડ ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂ. ૬૪૪ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનું ઇ ડિજિટલ તકતી અનાવરણ થકી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી અમરેલીના ધારી, બાબરા અને સાવરકુંડલા સહિત જુનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૩૩ લાખની વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે…
મુખ્યમંત્રીએ નર્મદા પાઇપલાઇન અને ડિસેલિનેશન પ્લાન્ટસના સમન્વય થકી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી, અને ઉમેર્યું હતું કે આવનારા સમયમાં દરિયા અને નદીના પાણીનો આ સંગમ સીમાચિન્હરૂપ સાબિત થશે.
ગુજરાત રાજ્યને પાણીની સુવિધાવાળું રાજ્ય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી પરિપ્લાવિત થયેલી ‘‘સૌની’’ યોજના વર્ષ-૨૦૨૧માં પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં કરેલા રૂ. ૧૯૭૬ કરોડના વિકાસકામોની આછેરી ઝલક રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ પાણીને પ્રગતિનું પ્રતીક ગણાવતાં એવો આશાવાદ પ્રગટ કર્યો હતો કે ગુજરાતના વિકાસની સંભાવનાને સાકાર કરનારી ‘‘સૌની’’ યોજના વિકાસના તમામ ક્ષેત્રોમાં અમરેલીને અવ્વલ બનાવશે. આ તકે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અને રાજવી કવિ કલાપીનું સ્મરણ કર્યું હતું.
Recent Comments