ગાંધીનગર,તા.૧૯
બજેટ વખતે અગાઉ રાજયપાલના પ્રવચન અને નાણામંત્રીના બજેટ પ્રવચનમાં લઘુમતી શબ્દનો પણ ઉલ્લેખ થતો હતો પરંતુ આ વખતે તો રાજયપાલના પ્રવચન અને નાણામંત્રીના પ્રવચનમાં લઘુમતી શબ્દ જ નો જ છેદ ઉડાડી દેવાયો છે એટલે લઘુમતીઓનો ઉલ્લેખ સુધ્ધાં કરાયો નથી. ત્યારે રાજયની ભાજપ સરકાર સૌનો સાથ અને સૌનો વિકાસની કેવી રીતે વાત કરે છે. એમ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરીને લઘુમતીઓના કલ્યાણ ક્ષેત્રે સરકારે કંઈ કર્યું ન હોવાનું જણાવ્યું હતું. આજરોજ વિધાનસભા ગૃહમાં સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માગણીઓ પર ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય ગ્યાસુદીન શેખે જણાવ્યું છે કે સવર્ણોના બિનઅનામત લોકો માટે ‘લોલીપોપ’ સમાન મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની જાહેરાત પાટીદાર અનામત આંદોલન સમયે કરવામાં આવેલ અને તેના માટે રૂા.૧૦૦૦ કરોડની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી ફકત રૂા.૩૦૦ કરોડની રકમ જ સરકાર વાપરી શકી છે. એટલે ૭૦ ટકા જેટલી રકમ સરકાર વાપરી શકી નથી. સૌથી દુઃખની વાત એ છે કે ર૦૧૮-૧૯ના બજેટમાં સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત એકપણ રૂપિયાની ફાળવણી કરી નથી જે સવર્ણોના બિન અનામત ગરીબ લોકો સાથે છેતરપિંડી જ છે. લઘુમતી સમાજના વિકાસ માટે ઉદાસીનતા સેવતી ભાજપ સરકાર પર પ્રહાર કરતા ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે રાજયમાં વર્ષ ર૦૧૬-૧૭માં બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે રૂા. ૯૮૩૯.ર૪ લાખની ફાળવણી કરી હતી. જેની સામે માત્ર રૂા. ૩૯ર૪.૯ર કરોડની રકમ જ સરકાર વાપરી શકી હતી અને રૂા. પ૯૧૪.૩ર લાખ જેટલી રકમ ભાજપ સરકાર લઘુમતીઓના વિકાસ માટે વાપરી શકી નથી. તેવી જ રીતે વર્ષ ર૦૧૭-૧૮માં રૂા. પ૧૬૬.ર૪ લાખની ફાળવણી સામે ર૧૮૯.૩૭ લાખની રકમ વપરાઈ અને રૂા.ર૯૭૬.૮૭ લાખની રકમ વણવપરાયેલ રહી છે એટલે કે ર વર્ષમાં કુલ રૂપિયા ૮૮૯૧ લાખની રકમ વપરાયા વિના પડી રહી છે. લઘુમતી સમાજની રાજયમાં ૧૦.પ૭ ટકા વસ્તી છે જેને ધ્યાને રાખીને બજેટમાં ફાળવણી કરવી જોઈએ. ભારત સરકારને રાજય સરકારે આપવી પડતી ગેરંટી નહી આપવાને કારણે રાજયના લઘુમતી વિકાસ નાણાં કોર્પોરેશનને લઘુમતીઓના વિકાસ માટે લોન મંજૂર કરવા માટેની રકમ કેન્દ્રીય લઘુમતી વિકાસ નાણાં કોર્પોરેશન ફાળવી શકતું નથી. રાજયમાં લઘુમતીઓની વસ્તીને ધ્યાને રાખીને લઘુમતીઓના વિકાસ માટે રાજય સરકારે અલ્પસંખ્યક નાણાં નિગમને ઓછામાં ઓછી રૂા.ર૦૦ કરોડની જોગવાઈ અને ફાળવણી કરવી જોઈએ. સચ્ચર સમિતિના અહેવાલના આધારે લઘુમતીઓના કલ્યાણ માટે ૧પ મુદ્દાનો કાર્યક્રમ વર્ષ ર૦૦૬-૭થી શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ તેને કાર્યાન્વિત કરવામાં પણ ભાજપ સરકાર આજદિન સુધી આડોડાઈ કરી રહી છે અને લઘુમતીઓના ઉત્કર્ષની ખોટી અને મોટી વાતો જ કરે છે. લઘુમતીઓના વિકાસ માટે લઘુમતી આયોગની રચના કરવી જોઈએ. લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ કે જે પ્રિ-મેટ્રીક, પોસ્ટ-મેટ્રીક અને મેરીટ-કમ-મીન્સ અંતર્ગત સ્કોલરશીપ મેળવવા માટે અરજી કરેલ છે. તે તમામને સ્કોલરશીપ મળવી જોઈએ તેવી માગણી શેખે કરી હતી. ભાજપ સરકારે લઘુમતીઓના વિકાસ માટે વ્યકિતદીઠ માસિક રૂા. ૭નો જ ખર્ચ કર્યો છે.