(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા ૨૦૧૮-૧૯ના બજેટને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નેમ પાર પાડનારૂ લોકરંજક સર્વસ્પર્શી બજેટ ગણાવ્યું છે. વિજય રૂપાણીએ બજેટ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, આ અંદાજપત્ર ભારતીય અર્થતંત્રને મજબૂત કરનારૂ તેમજ કિસાન, ખેડૂત, ખેતી, ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરનારૂ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારૂ છે. નવા ભારત-ન્યુ ઈન્ડિયાના નિર્માણ માટે આ અંદાજપત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેવાનું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં ઈઝ ઓફ ડુઈંગ સાથે ઈઝ ઓફ લિવિંગનો નવો કન્સેપ્ટ સૌના જીવન ધોરણમાં સુધાર લાવશે જ તેમણે બજેટની વિશેષતા વર્ણવતા કહ્યું કે, આયુષ્માન ભારતના ફ્લેગશીપ કાર્યક્રમ અન્વયે પહેલીવાર ૫૦ કરોડ ગરીબ લાભાર્થીઓને રૂા.પાંચ લાખનું વાર્ષિક આરોગ્ય સુરક્ષા કવચ સરકાર આપવાની છે. આ સાથે ૪ કરોડ ગરીબોને વિનામૂલ્યે વીજ સુવિધા અને ૮ કરોડ ગ્રામીણ માતા-બહેનોને ઉજવલા તહેત રાંધણ ગેસ કનેક્શન આપવાની સંકલ્પબદ્ધતા ગરીબો પ્રત્યેની કેન્દ્ર સરકારની સંવેદનાનો પ્રતિઘોષ પાડે છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવોમાં વધારો, ગ્રીન હાઉસ, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઝોક તેમજ કલસ્ટર આધારિત ખેતી અને હરેક ખેતરને સિંચાઈ સુવિધા આપવા ૨૬૦૦ કરોડના પ્રાવધાન સાથેના ઓપરેશન ગ્રીનની સરાહના કરતા ખેડૂત માટે ઉત્કૃષ્ટ બજેટ હોવાનું ગણાવી જણાવ્યું હતું કે, નવી મેડિકલ કોલેજો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ, જિલ્લાઓમાં સ્કીલ સેન્ટર અને વડોદરામાં રેલવે યુનિવર્સિટી જેવી પહેલથી આ બજેટ ભારતને સુદૃઢ મજબૂત અર્થતંત્ર તરીકે પ્રસ્થાપિત કરશે જ. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ બજેટને આવકારતા જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે કરાયેલી જોગવાઈઓથી શિક્ષણ ક્ષેત્રને વેગ મળશે. બજેટને સર્વસ્પર્શી અને સર્વ વ્યાપી દરેક વર્ગ ક્ષેત્ર અને વિસ્તારને આવરી લેતું લાભદાયક બજેટ ગણાવી ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ બજેટની જોગવાઈઓના કારણે દેશનું અર્થતંત્ર વેગવંતુ બનશે તેમ જણાવ્યું છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, ‘મોદી કેયર-પબ્લિક હેલ્થ ઈઝ વેલ્થ’ના મંત્ર સાથે ૫૦ કરોડ લોકોને પાંચ લાખનો વીમા કવચ મળશે. ટૂંકમાં આ બજેટથી ગરીબ, ખેડૂતો અને ગામડું સમૃદ્ધ થશે.
‘સૌનો સાથ, સૌનો વિકાસ’ પાર પાડનાર સર્વસ્પર્શી કેન્દ્રીય બજેટ : મુખ્યમંત્રી

Recent Comments