અમદાવાદ, તા.૯
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે. બીજી તરફ કાળ-ઝાળ ગરમીનો આતંક છે. લોકો પરેશાન થઈ ઊઠ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના માંગરોળથી ૪૪ કિમી દૂર બપોરના સમયે અરબી સમુદ્રમાં ૪.૭ની તીવ્રતાનો અને સવારના સમયે ર.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આંચકાથી અનેક લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.ગુજરાતમાં એક તરફ કોરોનારૂપી મહાસંકટ છે ત્યારે વર્ષમાં પ્રથમવાર ભૂકંપનો શક્તિશાળી કહી શકાય તેવો આંચકો નોંધાયો છે. સૌરાષ્ટ્રના માંગરોળથી ૪૪ કિલોમીટર દક્ષિણ અરબી સમુદ્રમાં બપોરના સુમારે ૩થી ૪ વાગ્યાની વચ્ચે ૪.૦ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો સિસ્મોલોજીમાં નોંધાયો છે. ધરતીકંપનું આ કંપન ચોરવાડ, ગીર-સોમનાથ સહિત આજુબાજુના વિસ્તારમાં પણ અનુભવાયું હતું. માંગરોળમાં આજે સવારે ઉપરોક્ત કેન્દ્ર બિંદુની નજીક અરબી સમુદ્રમાં ર.૭ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભૂકંપથી લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. વિગતવાર વાત કરીએ તો બપોરના ૩.૩૦ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પોરબંદરમાં પથી ૭ સેકન્ડ સુધી લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. સાથે જ કેશોદ અને ગીર-સોમનાથમાં પણ લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.