અમદાવાદ, તા.૨૯
રાજ્યમાં કોરોનાના કહેર અને કાળ-ઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સાવરકુંડલા, ચોટીલા, ગોંડલ સહિતના વિસ્તારોમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાવરકુંડલા અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વલ્લભીપુરમાં ઝાપટું પડ્યું હતું તો ગારિયાધારમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે ગોંડલ પંથકમાં તેમજ અમરેલી અને બાબરાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તો ખાંભામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવો માહોલ ઊભો થયો હતો. વરસાદથી કાળ-ઝાળ ગરમીમાં ઠંડકનો અનુભવ થયો હતો. જો કે, ઉનાળુ પાક તેમજ કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. વળી, કેટલીક જગ્યાએ તૈયાર પાક પલળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. આમ કોરોનાના કહેર વચ્ચે કાળ-ઝાળ ગરમીમાં કમોસમી વરસાદથી કુદરત રૂઠી હોય તેવો ઘાટ સર્જાયો છે.