અમદાવાદ,તા.૧૩
અમદાવાદ શહેરમાં હાલ કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે બીજી તરફ સુરતમાં ચિંતાજનક રીતે કેસો વધી રહ્યા છે. સુરતમાં કોવિડ-૧૯ના કેસો વધવાથી ત્યાંથી લોકો ભયભીત થઈ સૌરાષ્ટ્ર તરફ ભાગી રહ્યા છે. આથી સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો વધી શકે છે. તેવી આશંકાને પગલે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સુરતથી કોરોનાના દર્દીઓને અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવા માગ ઊઠી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત જણાવ્યું છે કે હાલ અમદાવાદ શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. આધારભૂત મળતી માહિતી મુજબ તા.૧૩-૭-ર૦ર૦ના રોજ અમદાવાદ શહેરની સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલો જેમાં સિવિલ હોસ્પિટલમાં ૯૦૦ બેડ, સોલા સિવિલમાં ર૦૦ બેડ, કેન્સર હોસ્પિટલમાં રપ૦, ચેપીરોગ હોસ્પિટલમાં ૪૦ બેડ મળી કુલ અંદાજિત ૧૪૦૦ બેડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં અંદાજિત ૩પ૦ બેડ અને ખાનગી હોસ્પિટલમાં અંદાજિત રપ૦ જેટલા બેડ એમ અમદાવાદ શહેરમાં અંદાજિત ર૦૦૦ બેડ ખાલી છે.
હાલ રાજ્યમાં સુરત શહેર કોરોનાના સંક્રમિતોનું નવું હોટસ્પોટ બન્યું છે. પરિણામે સુરતમાં સરકારી અને સરકારમાન્ય ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે બેડ ઉપલબ્ધ નથી, જેના કારણે કોરોનાથી સંક્રમિત સામાન્ય માણસને સારવાર માટે ખૂબ મોટો સંઘર્ષ કરવો પડે છે અને તેઓ ભયભીત થઈ વતન ભણી જઈ રહ્યા છે. આવા દર્દીઓમાં સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા વધુ હોઈ કોરોનાની સીધી અસર સૌરાષ્ટ્ર પર પડવાની શક્યતા ખૂબ વધુ છે.
સૌરાષ્ટ્રના મહત્તમ જિલ્લાઓમાં કોરોનાની સારવાર અંગે પર્યાપ્ત વ્યવસ્થા નથી. સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં પૂરતા બેડની વ્યવસ્થા નથી, પૂરતા સાધનોનો અભાવ છે, અનુભવી ડોક્ટરોનો અભાવ છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓ કે જે સુરત ખાતેથી પોતાના વતન એવા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ તરફ જાય છે, તેના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અફરાતફરી ફેલાવાનો ભય રહેલો છે અને સૌરાષ્ટ્ર વિસ્તાર નજીકના ભવિષ્યમાં નવું હોટસ્પોટ બનશે એમાં શંકા નથી. આથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધતું કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરતથી દર્દીઓને અમદાવાદ શહેરમાં આવેલા કોવિડ-૧૯ હોસ્પિટલોમાં અંદાજિત ર૦૦૦ જેટલા બેડ ખાલી છે ત્યાં દાખલ કરવા જોઈએ, જેથી સૌરાષ્ટ્રવાસીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાશે અને જીવનું જોખમ ઘટાડી શકાશે. રાજ્ય સરકારે તેના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન કરાવીને સુરતના દર્દીઓને સીધા અમદાવાદ ટ્રાન્સફર કરવા જોઈએ. તેવી માગ કરી છે.