અમદાવાદ,તા.૨
સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇને દલિત સમાજે આજે ભારત બંધના આપેલા એલાન દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં પણ હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકોમાં દલિત સમાજના લોકોએ ઉગ્ર વિરોધ અને દેખાવો કરી વિરોધ પ્રદર્શનો યોજયા હતા અને ઠેર-ઠેર સીટીબસ, એસટીબસમાં તોડફોડથી લઇ હાઇવે પર ટાયરો સળગાવી ટ્રાફિક ચક્કાજામ સર્જયો હતો. તો, જાહેર બજારો અને નોકરી-ધંધાના સ્થળો પર બંધ પળાવવા બળપ્રયોગ કર્યો હતો, જેને લઇ કયાંક ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં દલિતોએ શકિત પ્રદર્શન બતાવી પોતાની એકતાનો પરિચય કરાવ્યો હતો. આ પંથકોમાં દલિતો ઠેર-ઠેર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં એસટી બસ ડેપોમાં દલિતોના ટોળાએ તોડફોડ અને આગચંપી કરી હતી. તો, ભાવનગરમાં દીપક ચોક, પાનવાડી મેઇન સિટી વિસ્તારમાં ટાયરો સળગાવી રસ્તાઓ ચક્કાજામ કરી દીધો હતો. એટલું જ નહી, ઉશ્કેરાયેલા દલિતોએ ૧૦ જેટલી સિટી બસમાં તોડફોડ કરી હતી, રાજુલામાં ટોળાએ દુકાનોમાં ધસી જઇ તોડફોડ કરી હતી. રાજકોટમાં પંચનાથ મેઇન રોડ પર આવેલી જીયો ડિઝીટલ દુકાનમાં દલિતોએ તોડફોડ કરી દુકાનના કાચ તોડી નાંખ્યા હતા, તેમજ ક્રિસ્ટલ મોલ પણ બંધ કરાવ્યો હતો. આ જ પ્રકારે માંગરોળ દલિત સમાજ દ્વારા આજે ભારત બંધ મામલે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢવામાં આવી હતી. શહેરના મોટાભાગની દુકાનો બંધ રહી છે. માંગરોળ-જૂનાગઢ રૂટની એસટી બસને વંથલી નજીક પથ્થરમારો કરતા કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. જો કે, આ બનાવમાં મુસાફરો સુરક્ષિત બચી દરમ્યાન ગીર સોમનાથમાં દલિત સમાજના લોકો દુકાનો-બજારો બંધ કરાવવા નીકળ્યા હતા ત્યારે તોડફોડ અને બળજબરીના દ્રશ્યો સર્જાયા હતા. ઉના તાલુકા દલિત સમાજ દ્વારા ટાવર ચોક ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. દલિત સમાજના આગેવાનો દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ઠેર ઠેર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ જ પ્રકારે અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં વેપારીઓએ સમર્થન નહીં આપતા દલિત સમાજના ટોળાએ બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી હતી. દલિત સમાજની શહેરમાં રેલી નીકળી હતી. અમરેલી, સાવરકુંડલા, વડિયા, બાબરા, લાઢી. ધારી, રાજુલા, જાફરાબાદ સહિતના તમામ તાલુકા મથકો પર બંધની ઓછી અસર જોવા મળી હતી, આ વિસ્તારોમાં એસટીના રાબેતા મુજબના રૂટો ચાલુ રહ્યા હતા. તો, જૂનાગઢમાં પણ દલિતોએ દુકાનો, ઓફિસો અને ધંધા-રોજગારના સ્થળો બંધ કરાવ્યા હતા.