અમદાવાદ, તા.૧૧
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના અંગ્રેજી ભવનના પ્રશ્નો બાબતે ભવનના પ્રોફેસર ડૉ.જયદીપસિંહ ડોડિયાને તેમજ કેટલાક વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે નુકસાન પહોંચાડવા માટે કેમ્પસ પરના રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક સ્થાપિત હિતો સક્રિય હોવાનું યુથ કોંગ્રેસના ધ્યાન ઉપર આવતા નિષ્પક્ષ તપાસ કરી નિર્ણય લેવા કુલપતિને રજૂઆત કરી હતી.
અંગ્રેજી ભવનના અધ્યાપક પ્રો. ડોડિયા દ્વારા વારંવાર સ્વખર્ચેે ઓપન ડી.આર.સી. કરવાની કુલપતિ સમક્ષ માગણી કરવામાં આવી છે. તો શા માટે મીડિયાની હાજરીમાં ઓપન ડી.આર.સી. યોજવામાં આવેલ નથી ? આ ઉપરાંત ભવનના અન્ય અધ્યાપકો સામેે પણ પીએચડી કોર્સવર્કની મહત્ત્વની પરીક્ષામાં પેન્સિલનો ઉપયોગ, સગર્ભા મહિલા યોગીનીબેન કલૈયાને અપાયેલ માનસિક ત્રાસ, ચોક્કસ વિદ્યાર્થીઓન ટાર્ગેટ બનાવી અને કોર્સ વર્કની પરીક્ષામાં પેન્સિલનો ઉપયોગ કરાવી તેને નાપાસ કરવાની ઘટના માત્ર એક જ વિદ્યાર્થી માટે વર્ષ ૨૦૧૪માં ડીઆરસી ગોઠવી પી.એચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા બાબતે મેચ ફિંકસીંગ કરવાની ઘટના સહિત અનેક બાબતોએ તપાસ કરવા કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રાજકીય દબાણ હેઠળ અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ પ્રો. કમલ મહેતા સામે કોઈ તપાસના આદેશો આજદિન સુધી થયેલા નથી. કોર્સ વર્કની પરીક્ષામાં પેન્સિલના ઉપયોગની ઘટનાને છાવરવામાં આવી રહી છે. ઉપરોક્ત તમામ બાબતે તટસ્થતા પૂવર્ક અને ન્યાયને કેન્દ્રમાં રાખી નિર્ણય લેવા તથા છેલ્લા ૧ વર્ષથી વિદ્યાર્થીઓની પી.એચ.ડી. પ્રવેશ પ્રક્રિયા તેમજ રિસર્ચ એડવાઈઝરી કમિટીની બેઠક થયેલ નથી તે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હરપાલસિંહ જાડેજાની આગેવાનીમાં કુલપતિને રજૂઆત કરવામાં આવી ત્યારે અભિરાજસિંહ કામલિયા, હર્ષ આશર, જુવાનસિંહ પરમાર, મોહીલ ડવ, દેવાંગ પરમાર, હુસેન હિરાણી, વિનિત શર્મા સહિતના કાર્યકરો જોડાયા હતા.