(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧પ
મ્યુનિસિપલ બજેટ બેઠકમાં સ્કૂલ બોર્ડના અંદાજપત્ર પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસના કાઉન્સિલર રોશનબેન વોરાએ સ્કૂલ બોર્ડના ગેરવહીવટને ઉજાગર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે બજેટના આંકડા વધતા જાય છે તેની સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે કરોડો રૂપિયાનું બજેટ વાપરવામાં આવતું હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા પાછળનું કારણ શું ? તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો.
બેઠકમાં રજૂઆત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે કેટલીક શાળાઓની મુલાકાત લીધી ત્યારે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. પાણીપાનારબેન કે પટાવાળા ન હોય તેવી અમુક શાળાઓમાં રીશેષ દરમ્યાન બાળકો વર્ગખંડની સફાઈ કરતા જોવા મળ્યા. એક શાળામાં ૧થી પના પાંચ વર્ગો વચ્ચે ત્રણ જ શિક્ષકો છે. તેમાંય એકાદ શિક્ષક રજા પર હોય તો આચાર્ય જાતે વિદ્યાર્થીઓને ભણાવે છે. આપણે શિક્ષણકાર્યને છેવાડે મુકી શિક્ષકોને મહોત્સવમાં મોકલી વસ્તી ગણતરી કે ચૂંટણી ફરજ સોંપી શિક્ષણને અન્યાય કરીએ છીએ. મધ્યાહન ભોજન અંગે તેમણે જણાવ્યું કે અમુક શાળાઓમાં તો ભોજનની ગુણવત્તા સાવ હલકી પ્રકારની હોય છે. અસંખ્ય શાળાઓમાં આરઓ મશીન લાગ્યા ન હોવાથી બાળકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. જયાં આરઓ મશીન છે તેની સર્વિસના કોન્ટ્રાકટ આપી દેવાય છે. પરંતુ સમયસર સર્વિસ થાય છે કે કેમ ! તેનું કોઈ સુપરવિઝન કરતું નથી અને બિલ ખાસ કરી દેવાય છે.
બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરીએ છીએ પરંતુ તાજેતરમાં શાહપુરની મ્યુનિ. શાળામાં ધોરણ ૩ની વિદ્યાર્થિની સાથે જે સ્થરિત ઘટના ઘટી તે ખૂબ શરમજનક છે. આ બનાવ બાદ માતા-પિતાએ બાળકીને શાળાએ મોકલવાનું બંધ કર્યું છે. જેની અસર અન્ય વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. ત્યારે આવા બનાવો બનતા રોકવા સ્કૂલ બોર્ડે શું પગલાં લીધા ! સીસીટીવી કેમેરા માટે બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ અસંખ્ય શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવાયા નથી. જયાં લગાવાયા છે ત્યાં કેમેરા બંધ હાલતમાં છે. જેવી અસંખ્ય રજૂઆતો રોશનબેન વોરાએ બજેટ બેઠકમાં કરી હતી.
પ્રાથમિક સુવિધાના કામો મ્યુનિ. કરે જયારે શાળાઓ જિલ્લા પંચાયત હસ્તક
મકતમપુરા વોર્ડના કાઉન્સિલર રોશનબેન વોરાએ અમદાવાદ શહેરના ગ્રામ વિસ્તારમાં આવેલી ૧૦૦ જેટલી શાળાઓ કે જે જિલ્લા પંચાયત હસ્તક છે તે મ્યુનિ. કોર્પોરેશન હસ્તક લેવા માગણી દોહરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આસપાસનો વિસ્તાર છેલ્લા ૧૧ વર્ષથી મ્યુનિ.માં ભળી ગયો છતાં અને મ્યુનિ. દ્વારા ટેક્ષ પણ વસુલ કરવામાં આવતો હોવાથી પાણી, ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટલાઈટ વગેરે જેવા પ્રાથમિક સુવિધાના કામો કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ વિસ્તારોની શાળાઓનો વહીવટ હજી પણ જિલ્લા પંચાયત હસ્તક હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મળતા લાભોથી વંચિત રહે છે જો આ માગણીને વહેલીતકે ધ્યાને લેવામાં નહીં આવે તો ના છુટકે વિદ્યાર્થીઓ અને વાલી મંડળને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે.