સુરત, તા.૯
વીજળી બિલ, સ્કુલ ફી, તથા વેરા બિલ, માફ કરી કોરોનાથી લોકડાઉનના કારણે આર્થિક રીતે ભાંગી પડેલા લોકોને રાહત આપવા કર માફી સમિતિએ સુરત જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રીને ઉગ્ર રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ કોવિડ -૧૯ રોગચાળાને લીધે થયેલ લોકડાઉનથી ગરીબ-મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ઉદ્યોગ, વેપાર અને ધંધા બંધ હોવાના કારણે તેઓ બેરોજગાર બન્યા છે. આવી સ્થિતિમાં, તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને ઘણા સ્થળોથી આત્મહત્યાઓના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ સંજોગોને ધ્યાનમાં લેતા, ગરીબ-શ્રમજીવી અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવાની જરૂર છે. આવી પરિસ્થિતિઓમાં સ્કુલ ફી, વીજળીના બિલ, અને વેરા બિલ માફ કરવા જોઈએ જેથી તેમને થોડી રાહત મળે. માટે અમો તમામ નાગરિકો વતી સ્કૂલ ફી, વીજળી બિલ તેમજ વેરા બિલ માફ કરવાની માંગણી કરીયે છીએ.