અમદાવાદ, તા.૩૦
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારના શાળા મર્જ કરવાના નિર્ણયની આડમાં મ્યુનિ. સ્કૂલો, ખાનગી સંસ્થા કે સ્વૈચ્છિક સંગઠનોને પધરાવી દેવાની પેરવી કરાતા સ્કૂલ બોર્ડના સભ્ય ઈલ્યાસ કુરેશી, નાગજી દેસાઈ અને ગણપત પરમારે ઉગ્ર વિરોધ નોંધાવી એજન્ડામાં સુધારો કરવા સૂચન કર્યું છે. સ્કૂલ બોર્ડના વિપક્ષના સભ્યોએ જણાવ્યું છે કે, સ્કૂલ બોર્ડ દ્વારા એલિસબ્રિજ શાળા નં.૬ જે કોચરબ આશ્રમ પાલડી ખાતે આવેલ છે તે શાળાને સૌરાષ્ટ્ર મેડિકલ અને ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ નામની સંસ્થાને નવીનીકરણના નામે પધરાવી દેવાની પેરવી કરાઈ રહી છે. તેમનું જણાવવું છે કે, ઉપરોકત મકાન મ્યુનિ. કોર્પો.ની માલિકીનું છે અને તેના તમામ હક અને અધિકાર મ્યુનિ. કમિશનરના અધિકાર ક્ષેત્રમાં આવે છે તેમજ સ્કૂલ બોર્ડ દ્વારા પોતાને મળતી ગ્રાન્ટમાંથી ભાડું ચૂકવવામાં આવે છે. ત્યારે આવા નીતિ વિષય નિર્ણય સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવે તો તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. એજન્ડામાં એમઓયુ કરવાને કોઈ ઉલ્લેખ નથી. નવીનીકરણ બાદ આ સંસ્થા દ્વારા કયા બાળકોને પ્રવેશ આપવામાં આવશે ? ફી લેવામાં આવશે કે નહીં ? વહીવટ કોનો રહેશે ? વગેરે જેવી નીતિ વિષયક બાબતોની સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. ઉપરોકત સ્કૂલ બોર્ડનું કામ શાળાઓ ચલાવવાનું તેમજ મ્યુનિ. માલિકીના મકાનો વાપરવાનું છે. આ મકાનો ફકત ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાના હેતુથી જ ઉપયોગ કરવા માટે છે. અન્ય હેતુથી ઉપયોગ કરવા જો સ્કૂલ બોર્ડને કે સ્કૂલ બોર્ડના ચેરમેન કે શાસ્ત્રી વિકાસને તેના નિયમોની જાણકારી હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ તેમજ આજદિન સુધી આ રીતે કેટલી શાળાઓ ખાનગી સંસ્થા કે એનજીઓને આપવામાં આવી છે તેની યાદી આપવા વિનંતી કરી છે.
સ્કૂલ બોર્ડની શાળા નવીનીકરણના નામે ખાનગી સંસ્થાને સોંપવાની હિલચાલ !

Recent Comments