(સંવાદદાતા દ્વારા) નેત્રંગ, તા.૧
કંબોડિયા ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં ૪ના ઘટનાસ્થળે મોત અને ૪ની હાલત નાજુક હોવાથી સારવાર અથૅ ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણેશ નટવર વસાવા પોતાની સ્કોર્પિયો ગાડી નંબર :- જીજે-૨૨-એ-૭૯૬૭ કોઇક કામ અર્થે નેત્રંગ આવ્યા હતા, રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ ઝરણાવાડી ગામેે પરત ફરતા હતા. જે દરમ્યાન એક અજાણ્યા વાહનચાલકે ચાસવડ ગામની પાસે સ્કોર્પિયો ગાડીના ચાલક ગણેશ નટવર વસાવાને ડીપર મારતાં ગાડી પાછી વાળી તેનો પીછો કરતાં સ્કોર્પિયો ગાડીના ચાલકેે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કંબોડિયા-કેલ્વીકુવા ગામની વચ્ચે બે-ત્રણ પલ્ટી ખાતા સ્કોર્પિયો ગાડીના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જેમાં ગાડીમાં સવાર બે મહિલા અને બે પુરૂષનું માથા અનેે શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૩ને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી હતી.
ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા. ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વારાફરતી બચાવની કામગીરીમાં જોડાઈ હતી. જ્યારે અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈ, નેત્રંગ ઇ.પીએસઆઈ નિનામા, રાઇટર કમલેશ સુથાર અને પો.કર્મી અકસ્માતની ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

અકસ્માતના મૃતકો
(૧) નિર્મળભાઇ લક્ષ્મણભાઇ વસાવા (ઉ.૨૬, રહે.ઝરણાવાડી તા.નેત્રંગ)
(૨) બાજુબેન ગણેશભાઇ વસાવા (ઉ.૩૦, રહે.ઝરણાવાડી તા.નેત્રંગ)
(૩) નીતાબેન સતીષભાઇ વસાવા (ઉ.૩૫, રહે.ભીલવાડા તા.માંગરોલ)
(૪) રાકેશભાઇ રામજીભાઇ વસાવા (ઉ.૩૨, રહે.ભીલવાડા તા.માંગરોલ)