અમદાવાદ, તા.૧૧
દુબઈ અને કુવૈતમાં ‘સ્ટડી ઇન ગુજરાત’ રોડ શોને મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળ દ્વારા આગામી ૧૩થી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમ્યાન આફ્રિકાના વિવિધ દેશો ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે તથા શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માના નેતૃત્વ હેઠળ આ રોડ શો યોજાશે, જેમાં નોલેજ ઇકોનોમીના બેઇઝ પર શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયાસો કરાશે.
આફ્રિકા ખાતે યોજાનાર આ રોડ-શો રાજ્ય સરકારનુ આ પ્રતિનિધિ મંડળ કેન્યા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં આગામી તારીખ. ૧૩, ૧૭, ૨૦ અને ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમ્યાન યોજશે. જેમાં ગુજરાતની ૧૫ યુનિવર્સિટીઓના ૩૪ પ્રતિનિધિઓ ભાગ લેશે. જેમાં અમદાવાદ યુનિવર્સિટી, આર.કે યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ચારુસેટ યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, આઈઆઈટી-રેમ, ગુજરાત યુનિવર્સિટી, એમએસયુ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને સંકલચંદ પટેલ યુનિવર્સિટીનો સમાવેશ કરાયો છે. યુગાન્ડા અને મોઝામ્બિક માટે મુખ્ય ભાગીદાર મારવાડી યુનિવર્સિટી છે જ્યારે કેન્યા માટે ગુજરાત યુનિવર્સિટી અને ઝિમ્બાબ્વે માટે પારૂલ યુનિવર્સિટી મુખ્ય ભાગીદાર રહેશે.
આ રોડ શો દરમ્યાન ગુજરાતના સમૃદ્ધ શિક્ષણ ક્ષેત્રની વિવિધ તકો માટે અને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે રસ ધરાવતા ઉમેદવારોને રાજ્યના સમૃદ્ધ સંસાધનોથી માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત રસ ધરાવતા ઉમેદવારોને માર્ગદર્શન માટે રાજ્યની નામંકિત યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ તેમજ પ્રતિનિધિ મંડળો સાથે પરામર્શ પણ કરાવાશે.