ડરબન, તા.પ
ઓસ્ટ્રેલિયાએ ડરબનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૧૮ રને હરાવી ચાર મેચોની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ૪૧૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા દ.આફ્રિકાની ટીમ ર૯૮ રનમાં સમેટાઈ ગઈ. ચોથા દિવસના અણનમ બેટસમેન ડીકોક અને મોરકલે ર૯૩ રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. ટીમના સ્કોરમાં હજી પાંચ રન જ ઉમેરાયા હતા કે હેઝલવુડે ડીકોકને ૮૩ રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પરત મોકલી દીધો. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઈનિંગમાં સ્ટાર્કે ચાર અને હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી. સ્ટાર્કને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. તેણે પૂરી મેચમાં નવ વિકેટ ઝડપી. આ પહેલાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દ.આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેણે પ૦ રનના સ્કોર સુધીમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ડીકોક અને માર્કરામ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૯૭ રનની શાનદાર ભાગીદારી થઈ. આ ભાગીદારી તોડવામાં ઓસી બોલરોને ઘણી પરેશાની થઈ હતી. પોતાની કારકિર્દીની ત્રીજી સદી ફટકારનાર માર્કરામના આઉટ થયા બાદ દ.આફ્રિકાની હાર નિશ્ચિત થઈ ગઈ. સ્ટાર્ક દ.આફ્રિકા માટે મુશ્કેલીનું કારણ બન્યો. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ નવ માર્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાશે.