(એજન્સી) તા.૫
તેજસ્વી સૂર્યા સામાન્ય રીતે વિવાદોમાં રહે છે. જર્મનીમાં ભારતીય પ્રવાસીઓ પૈકી એક જૂથે હેમ્બર્ગમાં ભારતીય સ્ટાર્ટઅપ કોન્ફરન્સ ૨૦૨૦માં બેંગ્લુરુના દક્ષિણ સાંસદ તેજસ્વી સૂર્યાને સ્પીકર ગેસ્ટ તરીકે આમંત્રણ અપાતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ ૭ ઓક્ટોબરે ગ્લોમન કન્સલ્ટિંગ જીએમબીએચ સાથે ભાગીદારીમાં ભારતના મહાવાણિજ્ય દૂત દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. મહાવાણિજ્ય દૂતાવાસને લખેલા પત્રમાં ભારતીય જર્મન સમુદાયે લખ્યું છે કે તેની સ્પીકરની યાદીને જોયા બાદ તેઓ ભારે નિરાશ છે કેમ કે તેમાં એક અત્યાધિક ઉત્તેજક અને કોમવાદી રાજનેતા, આરએસએસ સાથે સંકળાયેલા નેતાને બોલાવાયા છે. પત્રમાં ભારત સોલિડેરિટી જર્મની, ચેન્નઈ સોલેડિરિટી ગ્રૂપ, ધ હ્યુમિનિઝમ પ્રોજેક્ટ, સોલિડિરિટી બેલ્જિયમ, સીએઆરએ, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ ભારતીયો-ફિનલેન્ડ, ભારત ડેમોક્રસી વોચ, ઈન્ડિયન એલાયન્સ પેરિસ અને ફાઉન્ડેશન ધ લંડન સ્ટોરી દ્વારા હસ્તાક્ષર કરાયા હતા. તેના પર વધુ હસ્તાક્ષર માટે તેનું વિતરણ પણ કરાયું છે. પોતાની વાત રજૂ કરવા માટે સમુદાયે સૂર્યાના ચાર વિવાદિત ટિ્‌વટ પોસ્ટ પણ રજૂ કર્યા હતા જે સ્વાભાવિક રીતે કોમવાદી હતા. તેમણે તેજસ્વીનો કુખ્યાત પંચરવાળો ભાષણનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો જે તેણે બેંગ્લુરુમાં એક સીએએ સમર્થન રેલીમાં આપ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૯માં સંબોધનમાં તેજસ્વીએ કહ્યું હતું કે બેંગ્લુરુના આઈટી સેક્ટર, બીટી સેક્ટરના લોકો જે દેશના અર્થતંત્રમાં ફાળો આપી રહ્યાં છે જેમ કે વકીલ, બેન્ક કર્મચારી, ઓટો રિક્ષા ચાલક સહિત સામાન્ય નાગરિકો આજે અહીં એકઠા થયા છે. ફક્ત અભણ, અનપઢ પંચરની દુકાનો ચલાવનારા સીએએનો વિરોધ કરી રહ્યાં છે. તે સમયે તેજસ્વીની આકરી ઝાટકણી પણ કાઢવામાં આવી હતી.