(એજન્સી) તા.૨૪
ભારતે ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં મેડલ માટે ૨૧ વર્ષ સુધી રાહ જોવી પડી અને હવે તેની આ રાહનો અંત આવતા મીરાંબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી બતાવ્યો છે. શનિવારે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં મીરાબાઈ ચાનુને ૪૯ કિલોની કેટેગરીમાં સિલ્વર મેડલ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની સાલમાં સિડની ઓલિમ્પિક્સમાં કરનામ મલ્લેશ્વરીએ ભારત માટે પ્રથમ વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાનુએ ૪૯ કિલોની કેટેગરીમાં ૨૦૨ કિલો વજન ઉપાડ્યું હતું અને ઈન્ડોનેશિયાની વિન્ડી માત્ર ૧૯૪ કિલો વજન ઊંચકી શકી હતી. જોકે ચીનના હોઉ ઝિહાઈએ પણ ૧૯૪ કિલો વજન ઉપાડ્યું હતું.
૧. ચાનુનો જન્મ ૧ માર્ચ ૧૯૯૪ના રોજ થયો હતો. ૨૦૧૪માં તેણે ગ્લાસ્ગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
૨. ચાનુએ બ્રાઝીલમાં ૨૦૧૬માં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
૩. ૨૦૧૬માં વૂમન સિનિયર નેશનલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
૪. એક વર્ષ બાદ તેણે અનાહેમ ખાતે વર્લ્ડ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો.
૫. ૨૦૧૮માં તેણે રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરાઈ.
૬. ચાનુને પદ્મ શ્રી એવોર્ડથી પણ સન્માનિત કરાઇ.
૭. ચાનુએ ૨૦૧૮માં વૂમન્સ સિનિયર નેશનલ ડબ્લ્યૂએલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો.
૮. ૨૦૧૮માં કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા ખાતે ગોલ્ડ જીત્યો હતો.
૯. ૨૦૨૧માં ચાનુએ વર્લ્ડ રેકોર્ડ સર્જતા ક્લિન એન્ડ જર્કમાં ૧૧૯ કિલો વજન ઊંચક્યું હતું. આ એશિયન ચેમ્પિયનશિપ હતી.
૧૦. ૨૪ જુલાઈ ૨૦૨૧માં ચાનુએ ભારતનું ટોક્યો ઓલિમ્પિકમાં ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો.