ગાંધીનગર, તા.૩૧
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત આવતા પ્રવાસીઓ માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ૧ નવેમ્બરથી નિયમિત રીતે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી શકશે. પ્રવાસીઓ સવારે ૯થી સાંજના ૭ વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનો મજા માણી શકશે. તેમજ દરરોજ સાંજે ૬.૩૦ થી ૮ વાગ્યા સુધી બે લેસર શો પણ પ્રવાસીઓ માટે યોજાશે.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીને એક અભિનંતન પત્ર અર્પણ કર્યો હતો. એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે જે લોખંડ એકઠું કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ એક હથોડો પ્રાપ્ત થયો હતો. આ હથોડાને મોદીને અર્પણ કરવામાં આવ્યો હતો.