મોડાસા, તા.૧ર
મોડાસા તાલુકાના બામણવાડ ગામની ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં વર્ષોથી સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ નોકરી દરમિયાન સાબરદાણ અને મકાઈના ભરડાની ૧૦.૨૫ લાખની બોરીઓ અને ૧૩ હજારથી વધુની હંગામી ઉચાપત કરી હોવાનું જિલ્લા રજિસ્ટ્રારના નિમણૂંક કરેલ ઓડિટરના ઓડિટમાં બહાર આવતા હડકંપ મચ્યો હતો.
બામણવાડ ગામની ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં ૧-૦૪-૨૦૧૮થી ૩૧-૦૩-૨૦૧૯ સુધીનું વેવાદિક ઓડિટ સહકારી મંડળીઓ (દૂધ) બાયડ ઓડિટર ગ્રેડ-૨ ઓડિટર જે.એમ.પ્રજાપતિએ ઓડિટ કરતા ઓડિટ દરમિયાન સ્ટોર કીપર તરીકે ફરજબજાવતા રમણભાઈ રણછોડભાઈ પંચાલે નોકરી દરમિયાન ૬૫૪ બોરી સાબરદાણ કિં.રૂા.૬૭૦૩૫૦/- અને મકાઈ ભરડો ૪૭૪ બોરી કિં.રૂ.૩૫૫૫૦૦/- મળી કુલ રૂ.૧૦૨૫૮૫૦/- વેચાણના રૂપિયા અંગત કામમાં વાપરી નાખી. ગેરરીતિ બહાર આવતા ખળભળાટ મચ્યો હતો. મંડળીમાં ઉચાપત કરનાર સ્ટોર કીપર રમણભાઈ રણછોડભાઈ પંચાલને છુટા કરી દીધા હતા તથા ૨૩-૦૧-૨૦૨૦ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ-અરવલ્લી કચેરી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા પોલીસ સ્ટેશને ટપાલ મોકલી સહકારી મંડળીના વહીવટમાં દગા-ઉચાપત નાણાકીય ગેરરીતિ કે નાણાકીય અવ્યવસ્થામાં સંડોવાયેલ જણાતા કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી દિન-૩૦માં થતી હોય આ મંડળીના ચેરમેન-વ્યવસ્થાપક કમિટીના સભ્યો તરફથી ફરિયાદ રજૂ થયે ફરિયાદ નોંધી ગુન્હા રજીસ્ટર નંબર તથા તારીખ જણાવવા તાકીદ કરી છે. જે અંગે ધી બામણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના ચેરમેન દયારાભાઈ રામભાઈ પટેલ અને સ્ટોરકીપર રમણભાઈ રણછોડભાઈ પંચાલ સામે ફરિયાદ નોંધાવવા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વારંવાર ધક્કા ખાવા છતાં ફરિયાદ નોંધવા ઠાગાઠૈયા કરવામાં આવતો હોવાનો ચેરમેન સહીત ગામના અગ્રણીઓએ આક્ષેપ કરતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે.