વડોદરા, તા.ર૯
માર્ચ મહિનાના મધ્યમાં પુના શહેરથી ડિલિવરી માટે ભાઈને ત્યાં આવેલ એક બહેન જેઓનું નામ અનમોલબેન પરદેશી છે. આ આજવા રોડ વડોદરાવાસી પરિવારનું ગુજરાન એક માત્ર રીક્ષા ચાલાકના માથે હતું. આ કપરા સમયમાં અતિ ખર્ચાળ એવા શહેરથી પોતાની બહેન ડિલિવરી માટે વડોદરા આવી. ને ત્રણ કે ચાર દિવસ બાદ કોવીડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉન જાહેર થયું. આ જ સમય દરમ્યાન ભાઈની લાડકી બેને એક સુંદર દીકરીનો જન્મ આપ્યો. આ આનંદની પળોમાં પણ મા, ભાઈ તથા બહેનને ચિંતા સતાવતી હતી કે હવે શું થશે બાર સાંધે ને તેર તૂટે એવી પોતાની આર્થિક પરિસ્થિતિ અને આ કોવીડ-૧૯ની મહામારીના કારણે આવક હતી જ નહિ અને બચત પણ હોસ્પિટલમાં ખર્ચ થઈ ગઈ. આવી મર્યાદિત આવક ધરાવતા ભાઈને કુટુંબનું ભારણપોષણની અને બહેનને પૌષ્ટિક આહાર જે નવજાત દીકરી માટે પાયાની જરૂરિયાત હતી તેમજ બાળકીની કાળજીની ચિંતા કોરી ખાતી હતી તેવા સમયમાં આ પરિવારના ધ્યાનમાં આનંદ આશ્રમની અનેક સેવાઓ પૈકીની એક સેવા સાથી હાથ બઢાના આવી. કોવીડ-૧૯ના કપરા સમયમાં આનંદ આશ્રમની અનેક સેવાઓ પૈકીની એક એવી કોવીડ-૧૯ રિલીફ સેવા અવિરત (ઘરે ઘરે ફરીને) ચાલુ છે. આ સેવાના પાયાના સેવક હરસિધાબેન પટેલ, રેખાબેન શર્મા, રેખાબેન આશર તથા પુનિત રાઠી અને બધા જ સ્વયંસેવકો દિવસ રાત કર્મશીલ છે. આ કપરા સમયમાં ભાઈ તથા બહેનને આનંદ આશ્રમનો ફોન નંબર મળી ગયો. આ ભાઈને બેને આ કોવીડ-૧૯ની કપરી પરિસ્થિતિમાં ભોગવેલી પોતાની આપવીતી કે.એસ. છાબરા તથા હરસિધાબેન પટેલને વર્ણવી. આનંદ આશ્રમની સેવાઓ પૈકી એક એવી “સાથી હાથ બઢાના” અંતર્ગત તેઓએ આનંદ આશ્રમના દાતાઓને હાકલ કરી કે તરત એક એવા દાતા ડૉક્ટર હેમાબેન રાયજાદાએ જવાબદારી રૂપે આ પરિવારને આર્થિક સહાય કરવાની જવાબદારી સ્વીકારી. આવા કપરા સમયમાં પણ આ ભાઈ અને બહેને આત્મસન્માનને માન આપીને આર્થિક સહાયને બદલે આનંદ આશ્રમ પાસેથી માત્ર જરૂરિયાત પ્રમાણે અનાજ, કરિયાણું ને મસાલાનો સ્વીકાર કર્યો. કોમળ હૃદયના દાતાએ નવજાત દીકરી માટે નવા સુંદર કપડાં તેમજ નવજાત દીકરી તથા તેની માતા માટે હાઇજીન પર્સનલ કેરની વિવિધ સામગ્રીઓ પણ અર્પણ કરી. આવા વૈશ્વિક કપરા સમયમાં આવી માનવીય જરૂરિયાતની સેવાના કાર્યો માટે આનંદ આશ્રમ સતત તૈયાર જ હોઈ છે. આવા રોજબરોજ અનેક ઉદાહરણો આનંદ આશ્રમના દાતાઓ અને સેવકોની અથાગ મહેનતથી જ પરિપૂર્ણ થાય છે. આનંદ આશ્રમ કોવીડ-૧૯ની મહામારી વચ્ચે સ્વયંસેવકોની સેવા માટે તેમજ દાતાઓનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરે છે.