(એજન્સી) તા.૨૮
મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે ત્રણેય બાજુઓથી આફતમાં ઘેરાયેલા બંગાળની સ્થિતિ અંગે અફસોસ વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરી હતી કે, તે અન્ય રાજ્યોમાં ફસાઈ ગયેલા સ્થળાંતરિત મજૂરોની રાજ્યમાં સામૂહિક વાપસી અંગે મદદ કરે કે જેથી કોવિડ-૧૯ મહામારીના કેસોમાં અચાનક ઉછાળો ન આવે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ કોવિડ-૧૯ મહામારી, સ્થળાંતરિત મજૂરોની રાજ્યમાં વાપસી અને અમ્ફાન વાવાઝોડું એમ એક સાથે ત્રણ આફતોથી ઘેરાઈ ચૂકયું છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, “હું વડાપ્રધાન અને ગૃહમંત્રીને વિનંતી કરૂં છું કે, મહેરબાની કરી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે.” બેનરજીએ કહ્યું હતું કે, તે મહામારી પર નિયંત્રણ મેળવવા માટે સક્ષમ છે, પરંતુ રાજ્યમાં દરરોજ લાખો લોકો પ્રવેશી રહ્યા છે. જેના કારણે કોવિડ-૧૯ના કેસોમાં મોટો ઉછાળો આવવાનો ભય છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, “આ પરિસ્થિતિમાં મેં વડાપ્રધાન મોદીને દરમિયાનગીરી કરવા કહ્યું હતું. મહેરબાની કરી અમને મદદ કરો.” મમતા બેનરજીએ આગળ કહ્યું હતું કે, “તમે સ્થળાંતરિતોને મુંબઈથી ખસેડી બંગાળ મોકલી રહ્યા છો. તેના લીધે રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન વધી રહ્યા છે. બધા રાજ્યો એક જ દેશનો ભાગ છે. જો કોઈપણ રાજ્ય અસરગ્રસ્ત થશે તો તે સમગ્ર દેશની સમસ્યા છે, જે લોકો આ વાતને સમજી શકતા નથી, મારી પાસે તેમને સમજાવવાની ક્ષમતા નથી.” મમતા બેનરજીએ પ્રશ્ન કર્યો હતો કે, “૧૧ ટ્રેનો રાત્રે આવી, ૧૭ સવારમાં આવી. હું એ સમજી શકતી નથી કે, મને રાજકીય રીતે શા માટે પરેશાન કરવામાં આવે છે. તેઓ બંગાળને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. શું રેલવે મંત્રાલયની કોઈ જવાબદારી કે પ્રતિબદ્ધતા નથી ?”