(એજન્સી) તા.૧૪
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે તેમની સરકારે વિવિધ જિલ્લાઓ માટે રૂ.૫૪.૭૫ કરોડની રકમ મંજૂર કરી છે કે જેથી વિશેષ ટ્રેન દ્વારા તેમના રાજ્યોમાં જઈ રહેલા સ્થળાંતરિત મજૂરો માટે રેલ્વે ટિકિટના પૈસા ચૂકવી શકાય. નોંધનીય છે કે ૨૫ માર્ચે જાહેર થયેલા લોકડાઉનને પગલે દેશના જુદા જુદા ભાગોમાં લાખો સ્થળાંતરિત મજૂરો ફસાઈ ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે જુદા જુદા જિલ્લાઓમાં કુલ રૂ.૫૪,૭૫,૪૭,૦૭૦ રૂપિયાનું વિતરણ કર્યું હતું જેમાંથી મુંબઈ શહેર અને તેના પરા વિસ્તારને સૌથી વધુ હિસ્સો મળયો હતો. મુંબઈ શહેરને રૂ.૧૨.૯૬ કરોડ જ્યારે મુંબઈ સબઅર્બને રૂ.૧૦ કરોડ મળ્યા હતા. આ ઉપરાંત પુણેને રૂ.૮ કરોડ, થાણેને રૂ.૪.૮ કરોડ અને રાયગઢને રૂ.૨.૫ કરોડ મળ્યા હતા. આ પૈસા મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી આપવામાં આવ્યા હતા. અને જિલ્લા કલેક્ટરોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા કે જેથી તેઓ સ્થળાંતરિત મજૂરો માટે વિશેષ ટ્રેનની ટિકિટો બુક કરાવી શકે.