ડીસા, તા.૧૦
ડીસા-પાલનપુર હાઇવે પર આવેલી મોઢેશ્વરી સોસાયટીથી શિવગંગા સોસાયટીમાં થઇ વેલુનગર તરફ જતા મુખ્ય રસ્તા પર કેટલાક સ્થાનિક રહીશોએ નવા બનેલા રોડ ઉપર પાઇપો નાખી રસ્તો બંધ કરી દેતા વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા વેલુનગરથી શિવગંગા સોસાયટીથી મોઢેશ્વરી સોસાયટી સુધીનો પાકો આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ એક જ મહિનાના સમયમાં સોસાયટીના કેટલાક લોકોએ જાહેર રસ્તા પર પાઇપો ઊભી કરીને રસ્તા પર આડશ બનાવી વર્ષો જૂનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસની સોસાયટીના રહીશો સહિત વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આથી કેટલાક લોકોએ આ અંગે ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ જાહેર રસ્તો બંધ કરી શકે નહી. રજૂઆતના પગલે રૂબરૂ તપાસ હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે અને કયા કારણોસર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તે અંગે તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Recent Comments