અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી GIDCને જોડતા બિસ્માર માર્ગને લઈ

અંકલેશ્વર, તા.૬
અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી જીઆઇડીસીને જોડતા માર્ગ પર ભારેથી અતિભારે વાહનો પસાર થતા હોવાના કારણે રોડ બિસ્માર બનતા અવાર-નવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ફરી વિવાદ સર્જાયો છે. આ માર્ગ પર સ્થાનિકો દ્વારા મોટાવાહનોની અવર-જવર અટકાવવા લોખંડની એંગલો ફિટ કરવામાં આવતા મોટાવાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી જીઆઇડીસીને જોડતા રોડ ગડખોલ ગ્રામ પંચાયતની હદ માં આવે છે. આ રોડ પરથી ચોવીસ કલાક ભારેથી અતિ ભારે વાહનો જીઆઇડીસીમાં અવર-જવર કરતા હોવાથી રોડ બિસ્માર બનતા રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું અને અકસ્માત સર્જાય તેવી ભીતિના પગલે ગડખોલ ગ્રામ પંચાયત તેમજ આ રોડની આજુબાજુ આવેલ સોસાયટીના રહીશો દ્વારા બિસ્માર રોડ બાબતે તંત્રને અનેકવાર ભારે જોખમી વાહનો પસાર ન થાય તે માટે રજૂઆતો કરાઇ હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી ન હતી. માત્ર વહીવટી તંત્ર દ્વારા કાગળ પર બાહેંધરી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા આજ દિન સુધી રોડ ન બનાવી ફક્ત ધુળ ન ઉડે તે માટે પાણીના ેછંટકાવ કરવામાં આવતો હોવાથી ગડખોલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રોહન પટેલ સહિતના સભ્યો અને સ્થાનિક સોસાયટીના રહીશોએ સ્થાનિક તંત્રની પરવાનગી લઈ રેલવે ક્રોસિંગ પાસે ભારે વાહનો પસાર ન થાય તે માટે લોખંડની એંગલો ફિટ કરવામાં આવતા મોટાવાહન ચાલકો અટવાયા હતા.
(તસવીર :- અયાઝ શેખ, અંકલેશ્વર)