(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
કારેલીબાગ વિસ્તારની આનંદનગર સોસાયટીમાં કોર્પોરેશન દ્વારા ૧૦ દિવસ અગાઉ ખોદાયેલા ખાડા પુરવામાં નહીં આવતા હાલાકી ભોગવી રહેલી સ્થાનિક રહીશોએ ખાડા પર સ્માર્ટ સીટી…. તેમજ વિકાસ ગાંડો થયો છે…. તેવા બોર્ડ લગાવી વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ કોર્પોરેશનની કામગીરી સામે વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૧૦ દિવસ અગાઉ પાણીની લાઇનના વાલ્વ રીપેરીંગ માટે કોર્પોરેશન દ્વારા આનંદનગર સોસાયટી પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઇ કામગીરી નહીં કરાતા ખાડા જેમની તેમ હાલતમાં છોડી મૂકાતા વિસ્તારના રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યા અનુસાર વિસ્તારના સીનિયર સિટીઝન પણ આ ખાડાના લીધે લપસી પડતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશોએ આક્રોશ કરતા જણાવ્યું હતું કે, આ જગ્યા પર દર ત્રણ-ચાર મહિને વાલ્વની કામગીરી માટે ખાડો ખોદવામાં આવે છે અને વાલ્વ લીકેજના કારણે વારંવાર પાણીનો વેડફાટ થાય છે. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક રહીશોએ સેવાસદન દ્વારા ખાડા પુરવાની કોઇ કામગીરી ન કરાતા આજે ખાડા પર સ્માર્ટ સીટી તથા વિકાસ ગાંડો થયો છે… ના બોર્ડ લગાવી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.