(એજન્સી) તા.૨૪
શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના સંચાલન પર આંધ્રપ્રદેશ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ ગજગ્રાહ હવે મોટું સ્વરૂપ ધારણ કરીને બંધારણીય કટોકટી અને સંકટમાં ફેરવાઇ રહી હોવાનું જણાય છે. આંધ્ર પ્રદેશમાં સ્થાનિક સંસ્થાઓનો કાર્યકાળ ૩૦,જૂન ૨૦૧૮ના રોજ સમાપ્ત થઇ ગયો હતો ત્યારથી આ સંસ્થાઓ સ્પેશિયલ ઓફિસર્સના શાસન હેઠળ ચાલે છે.
રાજ્ય ચૂંટણી કમિશનર એન રમેશકુમારે ૭,માર્ચ ૨૦૨૦ના રોજ એક નોટિફીકેશન જારી કરીને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. પાછળથી કોવિડ મહામારીને કારણ તરીકે ટાંકીને તેમણે આ બાબતમાં પીછેહઠ કરી હતી.મુખ્ય પ્રધાન વાય એસ જગનમોહન રેડ્ડીએ રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયને આપખુદી ગણાવીને એવો આક્ષેપ કર્યો હતો કે તેની પાછળનો મકસદ વિરોધ પક્ષ ટીડીપીની તરફેણ કરવાનો છે. રેડ્ડીએ તો એટલે સુધી આક્ષેપ કર્યો હતો કે રમેશકુમારને વિપક્ષી નેતા એન ચંદ્રાબાબુ નાયડુ સાથે સાઠગાંઠ છે.
ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખીને રાજ્ય આયોગે જૂથવાદગ્રસ્ત રાયલ સીમામાં જગનના પક્ષની તરફેણમાં ઉમેદવારીની પ્રક્રિયા એકપક્ષીય હતી એવી વિપક્ષોની ફરીયાદની નોંધ લઇને રાજ્ય ચૂંટણી કમિશનરે મુખ્ય સચિવ નિલમ સહાનીને ગુંદુર અને ચિતુર જિલ્લાના કલેક્ટરો, તિરુપતિ અર્બન પોલીસના અધિક્ષક અને કેટલાય સર્કલ ઇન્સ્પેક્ટરોને તેમની ફરજમાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવા સૂચના આપી હતી પરંતુ મુખ્ય પ્રધાનના પ્રભાવ હેઠળ મુખ્ય સચિવે રાજ્ય ચૂંટણી કમિશનરના આ સસ્પેન્શન ઓર્ડરની ઉપેક્ષા કરી હતી. વાયએસઆરસી સરકાર સાથે સીધી ટક્કરના કારણે રાજ્ય ચૂંટણી કમિશનરની આખરે બદલી કરવામાં આવી હતી અને તેમના સ્થાને તામિલનાડુ હાઇ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ કાનાગ રાજને નિયુક્ત કરાયાં હતાં.પરંતુ રમેશકુમાર પોતાની હકાલપટ્ટી વિરૂદ્ધ જુસ્સાદાર કાનૂની યુદ્ધ લડીને પોતાની પુનઃ નિયુક્તિ કરવામાં સફળ રહ્યાં હતાં. હવે આંધ્રપ્રદેશ હાઇકોર્ટની ડિવીઝન બેંચના ચુકાદાના આધારે રમેશકુમાર આ વર્ષે પોતે ૩૧, માર્ચના રોજ પોતાની મુદ્દત પૂરી થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા માગે છે પરંતુ જગન સરકાર આ પ્રક્રિયાની વિરૂદ્ધ છે.
પરંતુ ચૂંટણી આયોગ સરકારી કર્મચારીઓની મદદ વગર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી શકે નહીં અને બીજી બાજુ જગન સરકાર પણ આ મામલો લંબાવી રહ્યાં છે અને હાઇ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે તેની સુનાવણી સોમવારે છે હવે જોવાનું એ છે કે સુપ્રિમકોર્ટ હાઇ કોર્ટના ચુકાદાને ઉલ્ટાવે છે કે કેમ. આમ એપી સરકાર પર સંવૈધાનિક સંકટ તોળાઇ રહ્યું છે.