અમદાવાદ, તા.ર૬
આગામી ગણતરીના મહિનાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપરાંત જે સીટો પરથી કોંગ્રેસે રાજીનામાં આપ્યા છે તે સીટો પર પેટા ચૂંટણી આવી રહી છે. ત્યારે મહાનગરપલિકાના વિકાસ કાર્યોનુ મૂલ્યાંકન કરવા તેમજ અધૂરા પડેલા પ્રોજેક્ટ ચૂંટણી પહેલા ઝડપથી પૂરા કરવા માટે આજે સીએમ રુપાણી દ્વારા એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર તથા જૂનાગઢ વિસ્તારના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષાનો મુખ્ય ઉદેશ્ય રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે વિકાસના કામોને ફાસ્ટટ્રેક પર લઈ જઈને લોકાર્પણ કરવાનો હતો. જેનાથી મહાનગરપાલિકાઓમાં જીત સરળ બની શકે.આ બેઠકમાં મહાનગરોમાં ચાલતા વિવિધ પ્રોજેકટોની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ડેવલપમેન્ટને લઇને એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશન દ્વારા સુરત-વડોદરા, મેટ્રોરેલ પ્રોજેકટ તેમજ અમદાવાદ મેટ્રો રેલ, રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગાંધીનગર રેલવે સ્ટેશન પર ઉભી થઈ રહેલી ફાઈવસ્ટાર હોટલનું કાર્ય કેટલે પહોંચ્યુ છે તેનુ નિદર્શન આપવામાં આવ્યુ હતું. સાથે-સાથે અમદાવાદ, રાજકોટ સીકસલેનની કામગીરીનો પ્રગતિ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ રાજ્યમાં હાલ ૨૦,૦૦૦ કરોડથી વધારાની રકમના વિવિધ પ્રોજેકટો ચાલી રહ્યા છે. જેની સીધી અસર મહાનગરોની પ્રજાને થાય છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ અંગે મળેલી બેઠકમાં જૂનાગઢના રોપ-વે પ્રોજેકટ, મેટ્રો રેલના નવા રૂટની સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેકટ પર ગત ડિસેમ્બરની સ્થિતિ અને છેલ્લા છ મહિનામાં થયેલી કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. આગામી ડિસેમ્બર પહેલા કેટલા પ્રોજેકટોનું લોકાર્પણ થઈ શકે તેમ છે તેના પર વિશેષ ધ્યાન આપીને ઉતાવળે તેને પૂરા કરવાના આદેશ કરવામાં આવ્યા છે. આ સિવાય ટેકનિકલ મુદાઓને લઈ કયાંય કામ અટકે નહીં તેની કાળજી લેવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.