હિંમતનગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની મુદ્દત નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ થશે

હિંમતનગર, તા.૧૪
રાજ્ય સરકારે સોમવારે ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ત્રણ મહિના માટે મોકૂફ રાખવાની ચૂંટણી પંચ થકી જાહેરાત કરાઈ છે. તેમ છતાં જે સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થશે તે દિવસથી તેમા વહીવટદારનું રાજ આવી જશે. જેને લઈને ચૂંટાયેલા પદાીધકારીઓ પાસેની તમામ સત્તાઓનો ઉપયોગ બંધ થઈ જશે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત અંદાજે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ જાય છે. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયતો એટલે કે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, વડાલી, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરની મુદ્દત અંદાજે તા.૩૦-૧૧-ર૦ર૦ના રોજ પૂર્ણ થાય છે ત્યારે અત્યારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓ સરકાર પાસેથી વિકાસ કામોના નામે વધુ ગ્રાન્ટ મેળવવા માટે સરકારમાં ભલામણો કરી ચૂક્યા છે જે પૈકી કેટલાક વિકાસ કામો માટે ગ્રાન્ટ મંજૂર થતાં ચૂંટાયેલા સદસ્યોએ પોતાના મત વિસ્તારમાં પાયાની જરૂરિયાત સમાન રોડ રસ્તા, પાણી, વીજળીકરણ તથા મકાનો બનાવવાનું શરૂ કરાવી દીધું છે. તો બીજી તરફ વર્ષ ર૦૧પમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને હિંમતનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ સાથે જાહેર થયું હોવા છતાં તે વખતે પ્રથમ સભા જે દિવસે મળી હશે તે દિવસથી મુદ્દતનો ગાળો પાંચ વર્ષનો ગણવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લા પંચાયતની મુદ્દત નવેમ્બર મહિનામાં પૂર્ણ થવાની છે તેથી જિલ્લા પંચાયતના સત્તા પર રહેલા કોંગ્રેસ પક્ષના સભ્યોએ ગત મહિને મળેલી સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરીને છેલ્લી સામાન્ય સભા બોલાવવાની માંગ કરી હતી પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય આવ્યો ન હોવાથી સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે કે નહીં તે તો સરકારને જ ખબર હશે. હિંમતનગર નગરપાલિકાની વાત કરીએ તો તેની તા.૧૦-૧ર-ર૦ર૦ના રોજ પૂર્ણ થવાની હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થોડા સમય અગાઉ નવું વોર્ડ સીમાંકન જાહેર કરીને કેટલીક બેઠકો મહિલાઓ માટે તથા અન્ય કેટલીક બેઠકે પછાત વર્ગ માટે ફાળવી દીધાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું હતું. જેને લઈને સ્થાનિક રાજકારણમાં તત્કાલીન સમયે ગરમાવો આવ્યો હતો. પરંતુ કેટલાક કર્મચારી સંઘો અને રાજકીય અગ્રણીઓએ કોરોનાને લઈને વધુ સક્રામણ ન થાય તે આશયથી ચૂંટણીઓ મોકૂફ રાખવાની કરેલી માંગ બાદ રાજ્ય સરકારે સોમવારે ત્રણ મહિના માટે ચૂંટણી નહીં યોજવા માટે જાહેરનામું બહાર પાડયું છે તેમ છતાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થવાની છે તે સંસ્થાઓમાં તેજ દિવસથી વહીવટદાર નિમાઈ જશે.